પાકિસ્તાન ટીમની ફિટનેસમાં ખામી છે

08 July, 2026 11:25 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-કૅપ્ટન તરીકે કમબૅક કરનાર બાબર આઝમે સ્વીકાર્યું કે...

બાબર આઝમ

ટેસ્ટ-કૅપ્ટન તરીકે પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહેલા બાબર આઝમે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પહેલાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બાબર આઝમે કહ્યું કે ‘મારું મુખ્ય ધ્યાન શિસ્ત, ફિટનેસ અને પ્રદર્શન પર છે. આ બાબતો પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ટીમના નિર્માણમાં મારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’

બાબર આઝમ આગળ કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં મને સમજાયું છે કે ટેસ્ટ-ક્રિકેટમાં અમારી ફિટનેસમાં થોડો અભાવ રહ્યો છે જેના કારણે અમે બૅટ કે બૉલથી અસરકારક પ્રદર્શન કરી શક્યા નથી. કોચ અને મૅનેજમેન્ટ સાથે એક-એક ચર્ચા દ્વારા ખેલાડીઓને સમજાવવામાં આવ્યું કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં શા માટે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. આ ચર્ચાથી અમને અમારી ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.’

અંતે ૩૧ વર્ષનો બાબર આઝમ કહે છે, ‘જ્યારે પણ મેં ટીમનું નેતૃત્વ કર્યું છે ત્યારે મેં હંમેશાં ખેલાડીઓને ટેકો આપ્યો છે, પરંતુ ખેલાડીઓ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળે તો જ સારું પ્રદર્શન થઈ શકે છે.’

પાકિસ્તાન આગામી પચીસ જૂનથી વેસ્ટ ઇન્ડીઝ સામે બે મૅચ અને ૧૯ ઑગસ્ટથી ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે.   

pakistan babar azam test cricket cricket news sports sports news