રોહિત બાદ બાબરે વિરાટને પણ પાછળ છોડ્યો

03 November, 2025 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 ઇન્ટરનૅશનલમાં હવે તેના નામે સૌથી વધુ ૫૦+નો સ્કોર, સાઉથ આફ્રિકા સામે ત્રીજી મૅચ સાથે પાકિસ્તાન સિરીઝ ૨-૧થી જીતી ગયું

રોહિત બાદ બાબરે વિરાટને પણ પાછળ છોડ્યો

રોહિત શર્માને પાછળ છોડીને T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યાના એક દિવસ બાદ બાબર આઝમે ૪૬ બૉલમાં ૬૮ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને પાકિસ્તાનને T20 સિરીઝમાં ૨-૧થી જીત અપાવી છે. પહેલી મૅચમાં હાર્યા બાદ પાકિસ્તાને શાનદાર કમબૅક  કરી સિરીઝ જીતી લીધી છે. બાબર પહેલી મૅચમાં ખાતું ખોલાવી નહોતો શક્યો પણ ત્યાર બાદ બે મૅચમાં બે મોટા રેકૉર્ડ તેણે પોતાના નામે કરી લીધા છે. 

મૅચ-વિનિંગ હાફ-સેન્ચુરી સાથે બાબરે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૫૦ પ્લસના સ્કોરનો વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. વિરાટ (એક સેન્ચુરી અને ૩૮ હાફ-સેન્ચુરી) ૩૯ ૫૦+ના સ્કોર સાથે ટૉપ પર હતો, પણ હવે બાબર (૩ સેન્ચુરી અને ૩૭ હાફ સેન્ચુરી) ૪૦મી ફિફ્ટીની કમાલ કરીને ટૉપ પર પહોંચી ગયો છે. 

શનિવારે રાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મૅચમાં શાહીન શાહ આફ્રિદીના ૨૬ રનમાં ૩ વિકેટના તરખાટ સામે સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૯ રન બનાવી શક્યું હતું. જોકે પાકિસ્તાને ઓપનર સૈયમ અયુબને વહેલો ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી, પણ બાબર આઝમ (૪૭ બૉલમાં ૯ ફોર સાથે ૬૮) અને કૅપ્ટન સલમાન આગા (૨૬ બૉલમાં બે ફોર સાથે ૩૩ રન) ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયા હતા. જોકે ત્યાર બાદ ૧૪ રનમાં ચાર વિકેટ ગુમાવતાં થયેલા મિની ધબડકા છતાં તેઓ ૧૯મી ઓવરના છેલ્લા બૉલમાં જીત મેળવી સિરીઝ જીતવામાં સફળ રહ્યા હતા. 

cricket news babar azam rohit sharma virat kohli south africa pakistan