રોહિત-વિરાટની T20 નિવૃત્તિનો ફાયદો પાકિસ્તાનના બાબર આઝમને મળ્યો

02 November, 2025 10:27 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો, પરંતુ ટૉપ-ફાઇવ બૅટર્સમાં સિક્સ અને સ્ટ્રાઇક-રેટ સૌથી ઓછાં

બાબર આઝમ

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લીધી હતી એનો ફાયદો હવે પાકિસ્તાનના બાબર આઝમને મળ્યો છે. શુક્રવારે રાતે લાહોરમાં સાઉથ આફ્રિકા સામે બીજી T20 મૅચમાં ૧૮ બોલમાં ૧૧ રન બનાવીને બાબર T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો છે. તેણે ૧૩૦ મૅચમાં બે સદી અને ૩૬ ફિફ્ટીની મદદથી ૪૨૩૪ રન કર્યા છે. હવે આ લિસ્ટમાં રોહિત ૪૨૩૧ રન સાથે બીજા ક્રમે અને વિરાટ ૪૧૮૮ રન સાથે ત્રીજા ક્રમે છે. 

જો રોહિત-વિરાટ હજી પણ T20 ઇન્ટરનૅશનલમાં ઍક્ટિવ હોત તો બાબર આઝમ આ રેસમાં આગળ વધી શક્યો ન હોત. ડિસેમ્બર ૨૦૨૪થી બાબરને પાકિસ્તાનની T20 ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. તે મે ૨૦૨૪માં છેલ્લી ફિફ્ટી ફટકાર્યા બાદ આ ફૉર્મેટમાં નાની ઇનિંગ્સ જ રમી શક્યો છે. આ ફૉર્મેટના ટૉપ-ફાઇવ બૅટર્સના લિસ્ટમાં તેણે સૌથી ઓછી ૭૩ સિક્સ મારી છે અને તેનો ૧૨૮.૭૭નો સ્ટ્રાઇક-રેટ સૌથી ઓછો છે. આ ફૉર્મેટમાં સ્ટ્રાઇક-રેટ અને સિક્સ મારવાની ક્ષમતા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

babar azam pakistan sports news sports cricket news