29 October, 2025 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૅચ લેતી વખતે ઈજા થયા બાદ ભારતના શ્રેયસ ઐયરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો (તસવીર: એજન્સી)
ભારતીય સ્ટાર ક્રિકેટર અને ODI વાઇસ કૅપ્ટન શ્રેયસ અય્યરની તબિયત ખરાબ છે. ક્રિકેટર ભલે આઇસીયુથી બહાર આવી ગયો હોય પણ તે હજી હૉસ્પિટલમાં જ દાખલ છે. જોકે હવે એવા સમચાર મળી રહ્યા છે કે શ્રેયસ અય્યરનો પરિવાર વહેલી તકે ઑસ્ટ્રેલિયા પહોંચે તે માટે બીસીસીઆઇ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ અય્યરના પરિવારને ઑસ્ટ્રેલિયા જવા મોકલવાના પ્રયત્નોથી હવે ક્રિકેટરના ચાહકોમાં ચિંતા ઊભી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) શ્રેયસ અય્યરના પરિવાર માટે સિડનીમાં તેની સાથે રહેવાની વ્યવસ્થા કરી રહ્યું છે. અગાઉ બુધવારે અહેવાલ આપ્યો હતો કે બહેન, શ્રેસ્તા, સિડનીની યાત્રા કરશે અને ભારતના ODI વાઇસ કૅપ્ટન સાથે રહે તેવી શક્યતા છે. જોકે, નવીનતમ અપડેટમાં અય્યરના માતા-પિતામાંથી એક તેની બહેન સાથે સિડની જાય તેવી શક્યતા છે.
આ ઘટનાક્રમ પર નજર રાખતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, "BCCI દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં, માતા-પિતા બન્ને જશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ કોઈ તેની સાથે હૉસ્પિટલમાં હશે. ગઈ કાલ સુધી, અય્યરની બહેન ઑસ્ટ્રેલિયા જવાની હતી અને કાગળકામ પણ શરૂ થઈ ગયું છે પરંતુ એવું બની શકે છે કે માતા-પિતામાંથી કોઈ એક તેની સાથે હોય,". ગયા શનિવારે સિડનીમાં ત્રીજી ODI દરમિયાન એલેક્સ કેરીને આઉટ કરવા માટે કૅચ પકડતી વખતે શ્રેયસને ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના ડૉ. રિઝવાન ખાન, જે અય્યરને મદદ કરવા માટે સિડનીમાં રહ્યા હતા, તેઓ તેની સારવાર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે અય્યરને સિડનીની શ્રેષ્ઠ હૉસ્પિટલોમાંની એકમાં દાખલ કરવામાં આવ્યો છે. "BCCI એ શ્રેયસને સાજો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. BCCI ના ડૉક્ટર રિઝવાન સંપૂર્ણપણે અય્યરની સારવાર અને ત્યાં સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શ્રેયસને સિડનીની શ્રેષ્ઠ સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે," સૈકિયાએ કહ્યું.
સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરની ઈજા અંગે અપડેટ આપ્યું
દરમિયાન, ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની સિરીઝ પહેલા મંગળવારે કૅનબેરામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રેયસ અય્યરના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી. સૂર્યકુમારે કહ્યું કે તેણે ઘટનાના દિવસે અય્યરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરૂઆતમાં તેને કોઈ જવાબ મળ્યો ન હતો. બાદમાં તેને ટીમ ફિઝિયો પાસેથી ખબર પડી કે અય્યરની હાલતમાં સુધારો થયો છે. સૂર્યકુમારે ઉમેર્યું કે અય્યર હવે ટીમના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો હતો અને તેના મેસેજનો પણ જવાબ આપી રહ્યો હતો. આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી-20 સિરીઝ શરૂ થઈ છે, જેમાં કંગારુઓએ ટૉસ જીતી પહેલા બૉલિંગ પસંદ કરી છે.