18 October, 2025 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત આગરકર
ભારતની મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી સમયમાં બન્ને અનુભવી પ્લેયર્સની ટ્રાયલ નહીં પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે આ બન્ને સિલેક્શન કમિટીના વન-ડે વર્લ્ડ કપ પ્લાનમાં છે કે નહીં.
તેમણે કહ્યું હતું કે ‘દરેક મૅચમાં તેમની ટ્રાયલ કરવી મૂર્ખામીભર્યું હશે. એક વાર તેઓ રમવાનું શરૂ કરે છે તો તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે, પરંતુ તેઓ ટ્રાયલ પર નથી. એનો અર્થ એ નથી કે જો તેઓ ઑસ્ટ્રેલિયામાં રન નહીં બનાવે તો તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે અને એવી જ રીતે જો તેઓ ઑસ્ટ્રેલિયામાં ત્રણ સદી ફટકારશે તો તેમને 2027ના વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે.’
ઑસ્ટ્રેલિયા ટૂર પર અવગણના કરવા બદલ મોહમ્મદ શમીએ ચીફ સિલેક્ટર પર રોષ વ્યક્ત કર્યો હતો. એના વિશે ગઈ કાલે એક ઇવેન્ટમાં વાત કરતાં અજિત આગરકરે કહ્યું હતું કે ‘મેં તેની સાથે ઘણી વાર વાત કરી છે. છેલ્લા છથી આઠ મહિનામાં અમને ખ્યાલ આવ્યો છે કે તે ફિટ નથી. તેણે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તેણે કંઈક કહ્યું હોય તો કદાચ મારે તેની સાથે એ વિશે વાતચીત કરવી જોઈએ અથવા તેણે મારી સાથે વાત કરવી જોઈએ. જો તે આગામી થોડા મહિનામાં ફિટ રહે છે તો વાર્તા અલગ હોઈ શકે છે.’
સિલેક્શન ન થાય તો ફોન આવી જાય છે
આ ઇવેન્ટમાં વર્તમાન ચીફ સિલેક્ટરે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારા સમયમાં મેં ક્યારેય નૅશનલ સિલેક્ટર્સને ફોન કર્યો નહોતો, પરંતુ સમય બદલાઈ ગયો છે. વર્તમાનમાં જ્યારે કોઈ યંગ પ્લેયરનું સિલેક્શન નથી થતું ત્યારે મને વારંવાર ફોન આવે છે. પણ એક વાત ચોક્કસ છે કે તેઓ મારા તરફથી સિલેક્શન કેમ ન થયું એ વિશે ૧૦૦ ટકા પ્રામાણિકતા મેળવે છે.’