04 September, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર,શુભમન ગિલ અને શ્રેયસ ઐયર
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે હાઈ લેવલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસ, સચિવ દેવજિત સૈકિયા, મેન્સ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, સેન્ટર ઑફ એક્સલન્સના વડા વી.વી.એસ. લક્ષ્મણ, ટેસ્ટ અને વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલ અને T20 ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરે હાજરી આપી હતી.
મીટિંગમાં સિલેક્શન કમિટીમાંથી કોઈ સભ્ય દેખાયો નહોતો. વિવિધ અહેવાલો અનુસાર આ સમીક્ષા-બેઠકમાં આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ભારતની વાઇટ-બૉલ સિરીઝની હારની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અનુભવી ખેલાડીઓના ફ્યુચર-પ્લાન પર પણ ચર્ચા થઈ હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડની મીટિંગ માટે શુભમન ગિલ લક્ઝરી કારમાં પોતાના હમશકલ સાથે આવ્યો હોવાનો વિડિયો-ફોટો વાઇરલ થયો હતો. હકીકત એ છે કે શુભમન ગિલ જેવો લુક ધરાવતો એ માણસ તેનો મૅનેજર સેબૅસ્ટિયન શાજી હતો. કેટલાક લોકો તેને શુભમન ગિલનો હૅન્ડસમ ડ્રાઇવર પણ સમજી રહ્યા હતા.
સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)નો ક્રિકેટ ડિરેક્ટર વી.વી.એસ. લક્ષ્મણ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ટીમનો હવાલો સંભાળશે. રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કોચની યાદી અનુસાર લક્ષ્મણને સુનીલ જોશી, હૃષીકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ કોચિંગ સ્ટાફમાં રહીને મદદ કરશે.
નિયમિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરેલુ વન-ડે સિરીઝ માટે સિનિયર ટીમ સાથે રહેશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટસ્પર્ધા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. ૨૭ સપ્ટેમ્બરથી ભારત
અને વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝ રમાશે.
અમોલ મુઝુમદાર ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. બોલિંગ કોચ આવિષ્કાર સાળવી અને ફીલ્ડિંગ કોચ મુનિષ બાલી તેની સહાય કરશે. ભારતીય મહિલા ટીમ પણ તેના ટાઇટલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે જેમાં હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે.