RoKoનું જલ્દી ક્રિકેટના મેદાન પર થશે કમબૅક? BCCI કરી રહ્યું છે તૈયારી!

11 July, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BCCI plans Virat Kohli, Rohit Sharma’s comeback: શ્રીલંકા ક્રિકેટે ઓગસ્ટમાં એક ટૂંકી મર્યાદિત ઓવરની શ્રેણીનું આયોજન કરવા માટે BCCIને વિનંતી કરી; જો બોર્ડ હા પાડશે તો રોહિત શર્મા અને વિરાટ કોહલી આવતા મહિને મેદાન પર જોવા મળશે

ક્રિકેટના મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડ (England)ના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી (Test Cricket)માં વ્યસ્ત છે. જોકે, ફેન્સ સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma)ની ગ્રાઉન્ડ પર હાજરીને મિસ કરી રહ્યાં છે. સિરિઝ શરૂ થાય તે પહેલાં જ વિરાટ અને રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી, તેમની ગેરહાજરી ખૂબ જ અનુભવાઈ રહી છે, અને ફેન્સ બંને અનુભવી ખેલાડીઓને ફરીથી રમતમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે ફેન્સને તેમના કમબૅક માટે વધુ રાહ નહીં જોવી પડે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જલ્દી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછા ફરે તે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) પ્રયત્નશીલ છે.

ગયા અઠવાડિયે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી બાંગ્લાદેશ (Bangladesh)નો નિર્ધારિત પ્રવાસ મુલતવી રાખવાના નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓગસ્ટમાં ક્રિકેટમાં પાછા ફરવા માટે (BCCI plans Virat Kohli, Rohit Sharma’s comeback) તૈયાર છે. શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket - SLC) બીસીસીઆઇને મર્યાદિત ઓવરોની શ્રેણીનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે.

ભારતીય ટીમ પડોશી દેશ બાંગ્લાદેશ સામે ત્રણ ODI અને T20I રમવાની હતી, પરંતુ પ્રવાસ રદ કરવાના નિર્ણય લેવાયો હતો અને તેથી મેન ઇન બ્લુ પાસે ઓક્ટોબર સુધી કોઈ ODI શેડ્યૂલ નહોતી. હવે શ્રીલંકા ક્રિકેટ ઓગસ્ટ મહિનામાં ODI શ્રેણી પ્લાન કરી રહ્યું છે.

શ્રીલંકા ક્રિકેટે BCCIને ઓગસ્ટમાં એક ટૂંકી મર્યાદિત ઓવરની શ્રેણીનું આયોજન કરવા વિનંતી કરી છે. જોકે BCCIએ હજી સુધી ઔપચારિક રીતે જવાબ આપ્યો નથી, જો શ્રેણી આગળ વધે છે, તો રોહિત શર્મા અને વિરાટ કોહલી આવતા મહિને પાછા મેદાન પર આવી શકે છે.

ભારતે બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ત્રણ વનડે અને એટલી જ સંખ્યામાં ટી20 મેચ રમવાની હતી. પ્રવાસ રદ થયા પછી, શ્રીલંકાએ પણ ફક્ત છ મેચ માટે ભારતની યજમાની કરવાની ઓફર કરી છે. જોકે, બીસીસીઆઈ હજી પણ તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘શ્રીલંકા ક્રિકેટ તરફથી એક વિનંતી પેન્ડિંગ છે પરંતુ અમે હજી સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. અમારે એશિયા કપની પરિસ્થિતિ જોવી પડશે. બધું એકબીજા સાથે જોડાયેલું છે.’

નોંધનીય છે કે, બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા (Devajit Saikia) આ અઠવાડિયે લોર્ડ્સ ટેસ્ટ (Lords Test) માટે લંડન (London)માં રહેશે, અને મેચ દરમિયાન અથવા પછી ખેલાડીઓ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર (Ajit Agarkar) સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ચર્ચાઓ પછી બોર્ડ શ્રીલંકાને જવાબ આપે તેવી શક્યતા છે.

virat kohli rohit sharma indian cricket team india sri lanka cricket news sports sports news