21 November, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્થિવ પટેલે પોતાનો ડાબો હાથ બતાવીને કપાયેલી આંગળી વિશે ખુલાસો કર્યો હતો
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે એક ચૅટ-શોમાં મોટા ભાગે ક્રિકેટ મૅચમાં વૉટરબૉય તરીકે કામ કરવા વિશે રમૂજી કમેન્ટ કરી છે. તેણે કહ્યું હતું કે ‘પાણીની વાત ન કરો. મેં ૮૫ વન-ડે મૅચમાં વૉટરબૉયનું કામ કર્યું છે. રાહુલ દ્રવિડ વિકેટકીપિંગ કરતો હતો ત્યારે હું મેદાન પર પ્લેયર્સને પાણી આપવા જતો હતો. મેં ૨૦૦૩ના આખા વર્લ્ડ કપમાં પાણી જ પીવડાવ્યું છે. એ સમયે મેં પાણી પીવડાવીને મોટું ઘર બનાવી લીધું હતું.’
વિકેટકીપર-બૅટર પાર્થિવ પટેલ ભારત માટે પચીસ ટેસ્ટ-મૅચ, ૩૮ વન-ડે અને બે T20 મૅચ રમ્યો છે.
પાંચ વર્ષની ઉંમરે કપાઈ ગઈ હતી આંગળી
પાર્થિવ પટેલની ડાબા હાથની ટચલી આંગળી નથી એ વિશે પણ રસપ્રદ ખુલાસો થયો હતો. તેણે કહ્યું હતું કે ‘હું બાળપણથી જ શાંત નહોતો. હું પાંચ વર્ષનો હતો ત્યારે રમતાં-રમતાં મારી આંગળી દરવાજામાં ફસાઈને કપાઈ ગઈ હતી.’ અમદાવાદમાં જન્મેલો ૪૦ વર્ષનો પાર્થિવ પટેલ હાલમાં ગુજરાત ટાઇટન્સનો સહાયક કોચ છે અને ભારતની મૅચ દરમ્યાન કૉમેન્ટરી પણ કરે છે.