17 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેતેશ્વર પુજારા અને તેના પિતા
સૌરાષ્ટ્રનો ક્રિકેટર ચેતેશ્વર પુજારા જૂન ૨૦૨૩થી ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી શક્યો નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટથી ભારતીય ટીમમાં સિનિયર પ્લેયર્સની અછત ઊભી થઈ છે. આ મુદ્દે વાત કરતાં ચેતેશ્વરના પપ્પા અને તેના બાળપણના પહેલાં કોચ અરવિંદ પુજારાએ મિડ-ડે ઇંગ્લિશ સાથેની વાતચીતમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
૭૪ વર્ષના આ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરે કહ્યું, ‘એક સિનિયર પ્લેયર હોવાથી તેમણે (સિલેક્શન કમિટી) તેના પર (ચેતેશ્વર પુજારા) પણ ધ્યાન આપવું જોઈએ. મને લાગે છે કે તેને ઇંગ્લૅન્ડ-ટૂર પર તક મળવી જોઈએ. તે ફિટ છે, સારા ફૉર્મમાં છે અને નિશ્ચિતરૂપે તે ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓમાં ટીમને મદદ કરશે. ભારતીય ટીમને તેના જેવા બૅટરની જરૂર છે જે લાંબા સમય સુધી પિચ પર ટકી રહે. તેણે ક્રિકેટ રમવાનું બંધ નથી કર્યું, તેણે ગયા વર્ષે છ-સાત કાઉન્ટી મૅચ રમી છે. તેણે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રણજી ટ્રોફીમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. તે બદલાવ લાવી શકે છે. ઘણા ઓછા ભારતીય છે જેમણે ૧૦૦થી વધારે ટેસ્ટ-મૅચ રમી છે. ૧૦૦ ટેસ્ટ-મૅચ રમવી ખૂબ જ મુશ્કેલ છે એટલે મારું માનવું છે કે એક સિનિયર પ્લેયર તરીકે તે એક વધુ તકનો હકદાર છે.’ 870 - આટલા રન ૧૬ ટેસ્ટ-મૅચમાં ફટકાર્યા છે ચેતેશ્વર પુજારાએ ઇંગ્લૅન્ડમાં.
ચેતેશ્વર પુજારાનો ટેસ્ટ-રેકૉર્ડ |
|
મૅચ |
૧૦૩ |
ઇનિંગ્સ |
૧૭૬ |
રન |
૭૧૯૫ |
સેન્ચુરી |
૧૯ |
ફિફ્ટી |
૩૫ |
ઍવરેજ |
૪૩.૬૦ |
સ્ટ્રાઇક-રેટ |
૪૪.૩૬ |