કરાર તોડવા બદલ શ્રીલંકન કૅપ્ટન દાસુન શનાકા પર પાકિસ્તાન સુપર લીગમાં એક વર્ષનો પ્રતિબંધ

21 April, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર બોર્ડે ઔપચારિક સુનાવણી દરમ્યાન ખેલાડીના અફસોસની અભિવ્યક્તિઓ અને પાકિસ્તાનમાં રમવા માટેના તેના જાહેર કરેલા જુસ્સાની નોંધ લેવાઈ હતી.

દાસુન શનાકા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકન T20 કૅપ્ટન દાસુન શનાકા માટે પાકિસ્તાન સુપર લીગમાં રમવા પર એક વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે. ૩૪ વર્ષનો આ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ૨૧ માર્ચે લાહોર કલંદર્સના કરારમાંથી ખસી ગયો હતો. થોડા દિવસ બાદ તે IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સમાં સૅમ કરૅનના રિપ્લેસમેન્ટ તરીકે જોડાયો હતો. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘હું સ્પષ્ટ કરું છું કે જ્યારે હું પાકિસ્તાન સુપર લીગમાંથી ખસી ગયો ત્યારે મારો અન્ય ટુર્નામેન્ટમાં જોડાવાનો કોઈ ઇરાદો નહોતો. હું આ લીગના ખેલાડીઓની માફી માગું છું.’ ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સ માટે ત્રણ મૅચ રમનાર શનાકા વર્તમાન સીઝનમાં રાજસ્થાન માટે એક પણ મૅચ રમ્યો નથી. બ્લેસિંગ મુઝરબાની જેવા ખેલાડીઓ પર કરાર તોડવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો તો દાસુન શનાકા માટે કેમ આ પ્રતિબંધ એક વર્ષનો રાખવામાં આવ્યો છે એનું કારણ હજી સ્પષ્ટ નથી. અહેવાલ અનુસાર બોર્ડે ઔપચારિક સુનાવણી દરમ્યાન ખેલાડીના અફસોસની અભિવ્યક્તિઓ અને પાકિસ્તાનમાં રમવા માટેના તેના જાહેર કરેલા જુસ્સાની નોંધ લેવાઈ હતી.

pakistan IPL 2026 rajasthan royals cricket news sports news sports