17 May, 2025 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમના સમારોહમાં રોહિત શર્મા અને શરદ પવાર સાથે દેવેન્દ્ર ફડણવીસ (તસવીર : સૈયદ સમીર અબેદી)
દક્ષિણ મુંબઈમાં આવેલા વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા ગઈ કાલે મુંબઈના ક્રિકેટર રોહિત શર્માના નામના સ્ટૅન્ડના અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘મુંબઈનું ગૌરવ અને ટીમ ઇન્ડિયાના હિટમૅન રોહિત શર્માના નામનું સ્ટૅન્ડ બનાવવા માટે હું MCAને અભિનંદન આપું છું. ભારતીય ક્રિકેટનો વિકાસ કરવામાં શરદ પવારનું ઘણું યોગદાન છે. તેમના અથાગ પ્રયાસોને કારણે જ આજે ભારતીય ક્રિકેટ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. MCA, બોર્ડ ઑફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઈન્ડિયા (BCCI) અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે તેમણે લાંબા સમય સુધી ક્રિકેટને સફળ બનાવવા માટે કામ કર્યું છે. MCAના શરદ પવારસાહેબ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અજિત વાડેકરના નામનાં સ્ટૅન્ડ બનાવવાના નિર્ણયને પણ હું આવકારું છું.’
એક લાખ પ્રેક્ષકોની ક્ષમતાનું સ્ટેડિયમ બનાવવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુંબઈમાં વધુ એક મોટું સ્ટેડિયમ બનાવવાની જરૂર છે એને ધ્યાનમાં રાખીને અમે એક લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવવા માટે જગ્યા ફાળવીશું. MCA નવું સ્ટેડિયમ બનાવવા માટેનો પ્રસ્તાવ તૈયાર કરે. આગામી ચાર વર્ષમાં MCAની સ્થાપનાને ૧૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે આ સમયે નવા સ્ટેડિયમનું અનાવરણ થઈ શકે એવું આયોજન કરો.’