13 May, 2025 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર સંજય જગદાળે
વિરાટ કોહલીએ ઑગસ્ટ ૨૦૦૮માં ૧૯ વર્ષની ઉંમરે શ્રીલંકા સામેની વન-ડે મૅચથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. તેના સિલેક્શન વિશે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર સંજય જગદાળેએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મને હજી પણ યાદ છે કે કોહલીએ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ઇમર્જિંગ પ્લેયર્સ ટુર્નામેન્ટમાં પોતાની સદીથી દિલીપ વેન્ગસરકરને ખૂબ પ્રભાવિત કર્યા હતા.’
તેમણે આગળ કહ્યું કે ‘વેન્ગસરકર એ સમયે નૅશનલ સિલેક્ટર્સની પાંચ સભ્યોની સમિતિના વડા હતા. વેન્ગસરકરે કોહલીની પ્રશંસા કરી અને મને કહ્યું કે આ છોકરો એક સારો બૅટ્સમૅન છે. જોકે મેં એ સમયે કોહલીની રમત જોઈ નહોતી, પરંતુ વેન્ગસરકરના આગ્રહ પર, અમે બધાએ કોહલીને ટીમમાં પસંદ કરવા માટે સંમતિ આપી હતી. જ્યારે અમે કોહલીને ભારતીય ટીમમાં સામેલ કર્યો ત્યારે કેટલાક લોકોએ અમારી ટીકા કરતાં કહ્યું કે અમે શ્રીલંકા-ટૂર પર આટલા યુવા પ્લેયરને કેવી રીતે મોકલ્યો. કોહલીના ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ, પરંતુ તેના દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા સરળતાથી ભરી શકાય એમ નથી.’