ઑક્શનમાં પ્લેયર્સને રાષ્ટ્રીયતા નહીં પરંતુ ઍથ્લેટિક ક્ષમતાના આધારે પસંદ કરાશે

26 February, 2026 10:31 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભેદભાવ થશે એવી ચર્ચા વચ્ચે ધ હન્ડ્રેડ અને એની આઠ ટીમે સંયુક્ત નિવેદન આપ્યું કે....

ફાઇલ તસવીર

ભારતીય માલિકો ધ હન્ડ્રેડના ઑક્શનમાં પાકિસ્તાની ખેલાડીઓને ધ્યાનમાં લેશે નહીં એવા અહેવાલો બાદ ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આ વિવાદાસ્પદ મુદ્દાને સંબોધતાં ફ્રૅન્ચાઇઝીઓને લેટર મોકલ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ અને એની તમામ આઠ ટીમે સંયુક્ત નિવેદન બહાર પાડીને પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભેદભાવ ન કરવાની ખાતરી આપી હતી.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ધ હન્ડ્રેડની તમામ આઠ ફ્રૅન્ચાઇઝી ધ હન્ડ્રેડને સમાવિષ્ટ, સ્વાગતશીલ અને બધા માટે ખુલ્લી સ્પર્ધા બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે. ટુર્નામેન્ટ ચલાવવા માટે જવાબદાર સંચાલક મંડળ તરીકે ECB એ ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે ભેદભાવનું કોઈ અસ્તિત્વ નહીં રહે અને આવા કોઈ પણ વર્તન સામે કડક પગલાં લેવા માટે નિયમો બનાવીશું. ખેલાડીઓને તેમની રાષ્ટ્રીયતાના આધારે બાકાત ન રાખવા જોઈએ. આઠ ટીમ ફક્ત ક્રિકેટ-પ્રદર્શન, ઉપલબ્ધતા અને દરેક ટીમની જરૂરિયાતોના આધારે પસંદગી કરવા માટે પ્રતિબદ્ધ છે.’

ECBએ આઠેય ટીમને લેટર લખીને ચેતવણી આપી હતી કે ‘ખેલાડીઓની પસંદગી હંમેશાં ક્રિકેટના પ્રદર્શન, ઉપલબ્ધતા, ટીમની વ્યૂહરચના, જરૂરિયાતો પર આધારિત હોવી જોઈએ. કોઈને પણ તેમની રાષ્ટ્રીયતાના કારણે ધ હન્ડ્રેડમાં સ્થાન આપવાનો ઇનકાર ન કરવો જોઈએ અને જો રાષ્ટ્રીયતાના આધારે ખેલાડીઓને બાકાત રાખવાની નીતિ અપનાવતી ટીમના કોઈ પુરાવા મળશે તો તપાસ થશે.’ 

united kingdom england wales india pakistan cricket news sports sports news