૩૯ વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાં પાકિસ્તાનની જીત કરતાં હારનો રેશિયો વધ્યો

01 September, 2026 08:34 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચમાં ૩૮૯ રનના ટાર્ગેટ સામે બીજી ઇનિંગ્સમાં ૧૯૪ રને અાૅલઆઉટ થયું પાકિસ્તાન

ટેસ્ટ-કૅપ્ટન તરીકેની કમબૅક મૅચમાં બાબર આઝમ માત્ર ૮ અને ૬ રન કરી શક્યો હતો.

પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં યજમાન ઇંગ્લૅન્ડે ૨-૦થી કબજો કરી લીધો છે. ઇંગ્લૅન્ડે લૉર્ડ્‍સમાં બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન ૨૯૦ રન અને ૨૦૮ રનનો સ્કોર કરીને ૩૮૯ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૧૦ રન કરનાર પાકિસ્તાન ચોથા દિવસની રમત દરમ્યાન બીજી ઇનિંગ્સમાં ૫૦.૫ ઓવર રમીને ૧૯૪ રને ઑલઆઉટ થઈને ૧૯૪ રને હાર્યું હતું. 
પાકિસ્તાનના ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વાર છે જ્યારે એ સતત ચાર ઇનિંગ્સમાં ૨૦૦થી ઓછા રનમાં ઑલઆઉટ થયું છે. ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાન ૧૭૧ રન અને ૧૩૫ રન જ કરી શક્યું હતું. 
૩૯ વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાં પાકિસ્તાનની જીત કરતાં હારનો રેશિયો વધ્યો પણ વધ્યો છે. પાકિસ્તાને અત્યાર સુધીમાં ૪૭૩ ટેસ્ટ-મૅચ રમી છે જેમાંથી ૧૫૪ મૅચ હાર્યા છે અને ૧૫૩ મૅચમાં જીત મેળવી છે જ્યારે ૧૬૬ મેચ ડ્રો રહી છે. ૧૯૮૭ પછી આ પહેલી વાર બન્યું છે કે પાકિસ્તાનની ટેસ્ટ-મૅચ હારની સંખ્યા એની જીતની સંખ્યા કરતાં વધી ગઈ છે.

લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચમાં જીત સાથે WTCમાં ઇંગ્લૅન્ડને એક સ્થાનનો ફાયદો થયો

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-’૨૭માં લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચની જીતને કારણે ઇંગ્લૅન્ડને એક સ્થાનનો ફાયદો થયો છે. શ્રીલંકાને પાછળ છોડીને ઇંગ્લૅન્ડ પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. અંગ્રેજ ટીમની પૉઇન્ટ ટકાવારી ૨૯.૭૬થી વધીને ૩૪.૪૪ ટકા થઈ છે. પાકિસ્તાન નવ ટીમોમાં અંતિમ સ્થાને જ છે અને એની પૉઇન્ટ ટકાવારી ૧૯.૦૫થી ઘટીને ૧૬.૬૭ થઈ છે.

આૅલી રૉબિન્સને ૧૧૨ વર્ષમાં શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ ઍવરેજના મામલે ભારતના જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર આૅલી રૉબિન્સને ૧૯૧૪થી ઓછામાં ઓછી ૨૦ ટેસ્ટ-મેચ રમનારા બોલરોમાં શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ ઍવરેજનો રેકૉર્ડ નોંધાવ્યો છે. તેણે ભારતના જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે.
લૉર્ડ્‍સમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ-મૅચ પછી રૉબિન્સનની ટેસ્ટ-કરીઅરની બોલિંગ ઍવરૅજ સુધરીને ૧૯.૫૩ થઈ ગઈ છે જે જસપ્રીત બુમરાહની ૧૯.૭૯ની ઍવરેજથી વધુ સારી છે. રૉબિન્સન પાસે હવે ૨૩ ટેસ્ટ-મૅચોમાં ૯૯ વિકેટ છે જ્યારે જસપ્રીત બુમરાહએ બાવન મૅચોમાં ૨૩૪ વિકેટ લીધી છે.

 
બોલિંગ ઍવરેજ એટલે કે એક બોલર એક વિકેટ લેવા પાછળ સરેરાશ કેટલા રન આપે છે એ.

છેલ્લી ત્રણેય ટેસ્ટ-મૅચમાં પ્લેયર આૅફ ધ મૅચ બન્યો છે આૅલી રૉબિન્સન

૩૨ વર્ષનો આૅલી રૉબિન્સન છેલ્લી ત્રણ ટેસ્ટ-મૅચથી ઇંગ્લૅન્ડનો હીરો રહ્યો છે. છેલ્લી ત્રણેય ટેસ્ટ-મૅચમાં શાનદાન બોલિંગ ફેંકીને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. જૂન મહિનામાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-મૅચમાં તેણે સાત વિકેટ લીધી હતી. પાકિસ્તાન સામેની બન્ને ટેસ્ટ-મૅચમાં તેણે આઠ-આઠ વિકેટ નોંધાવી હતી.

15 : એશિયન ટીમો સામે સૌથી વધુ આટલી ટેસ્ટ-મૅચ જીતનાર અંગ્રેજ કૅપ્ટન બન્યો જો રૂટ. અૅન્ડ્ર્યુ સ્ટ્રૉસનો ૧૪ જીતનો રેકૉર્ડ તોડ્યો.

pakistan london england cricket news test cricket sports news sports