09 November, 2026 03:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતના અર્જુન રાજપૂતની ૧૦૭ રનની તોફાની ઇનિંગ્સ એળે ગઈ. તેણે ૧૧ ફોર અને ૫ સિક્સ ફટકારી હતી, હમઝા ઝહૂરની સદી અને છઠ્ઠી વિકેટની ૧૦૭ની ભાગીદારીથી પાકિસ્તાનને મળી જીત.
ઓમાનમાં આયોજિત અન્ડર-19 વન-ડે એશિયા કપ 2026માં સતત બીજી મૅચ જીતીને પાકિસ્તાને ગ્રુપ Aમાં ભારતને પાછળ કરીને પહેલો ક્રમ મેળવ્યો છે. ગઈ કાલે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારતની યુથ ટીમે ૪૬.૩ ઓવરમાં
૨૦૮-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાને ૪૮.૧ ઓવરમાં ૭ વિકેટના નુકસાન સાથે ૨૦૯ રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો.
૨૨.૫ ઓવરમાં ૮૬ રને પાંચ વિકેટ ગુમાવનાર ભારતીય ટીમ માટે પાંચમા ક્રમે રમી રહેલા અર્જુન રાજપૂતે ૮૫ બૉલમાં ૧૧ ફોર, ૫ાંચ સિક્સની મદદથી ૧૦૭ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આર્યવીર સેહવાગ ૪૦ બૉલમાં એક ફોર અને એક સિક્સની મદદથી બાવીસ રન અને અન્વય દ્રવિડ ૧૬ બૉલમાં ૧ ફોરના આધારે ૧૦ રનનું જ યોગદાન આપી શક્યો હતો. પેસ-બોલર્સ રિઝવાનુલ્લાહ, અલી રઝા અને સ્પિનર નકાબ શફીકે ૩-૩ વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન પાકિસ્તાને પણ ધબડકાનો સામનો કરવો પડ્યો હતો. ૧૪.૪ ઓવરમાં ટીમનો સ્કોર ૬૧-૫નો હતો ત્યારે વિકેટકીપર-બૅટર હમઝા ઝહૂરે સાતમા ક્રમે આવીને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે ૧૦૮ બૉલમાં ૧૦ ફોર, ૩ સિક્સની મદદથી અણનમ ૧૦૦ રન કર્યા હતા. ભારત માટે સ્પિનર મનલ ચૌહાણે ૧૦ ઓવરમાં ૩૨ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
ભારત સામે ૩૧મી યુથ વન-ડે મૅચમાં પાકિસ્તાનની આ ૧૩મી જીત છે. ભારત ૧૭ મૅચ જીતી ચૂક્યું છે અને એક મૅચ ટાઇ રહી છે.