૩૯ વર્ષનો મેસી જો વર્લ્ડ કપમાં કમાલ કરી શકતો હોય તો રોહિત અને વિરાટ કેમ નહીં? : હરભજન ‌સિંહ

14 August, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ સ્પિનરને લાગે છે કે જ્યારે બન્ને દિગ્ગજો ભૂરપૂર રન બનાવી રહ્યા છે તો પછી એમની ઉમર સામે જોવાની કોઈ જરૂરત નથી

હરભજન સિંહ

ભૂતપૂર્વ સ્પિનર, કૉમેન્ટેટર તેમ જ રાજ્યસભાનો સંસદસભ્ય હરભજન સિંહ મક્કમપણે માને છે કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં રમવા માટે તત્પર હોય તો ઉંમર કે અન્ય બિનજરૂરી બાબતો સામે ધ્યાન ન આપવું જોઈએ. એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યુમાં ફુટબૉલર લીઅનલ મેસીનું ઉદાહરણ આપતાં ભજ્જીએ કહ્યું હતું કે ‘૩૯ વર્ષની ઉંમરે જો મેસી લાજવાબ ફિટનેસ અને ટૅલન્ટ વડે બધાને હંફાવી શકતો હોય તો રોહિત અને વિરાટ કેમ નહીં? ઉંમર ક્યારેય ખેલાડીની કરીઅરમાં અડચણરૂપ ન બનવી જોઈએ. ખેલાડીઓની બાબતમાં ઉંમર નહીં પણ તેમનો પર્ફોમન્સ જ માપદંડ હોવો જોઈએ.’
૨૦૨૭માં રમાનારા વન-ડે વર્લ્ડ કપ વખતે રોહિત શર્મા ૪૦ અને વિરાટ કોહલી ૩૯ વર્ષનો થઈ જશે. આ બાબતે ભજ્જીએ કહ્યું હતું કે ‘વિરાટ ભલે ૩૯ વર્ષનો થઈ જાય, પણ તે હજી પણ ૨૦ વર્ષના યુવાનિયાઓને હંફાવી શકતો હોય તો ઉંમરનો વિચાર જ ન કરવો જોઈએ. મેસીએ સાબિત કરી દીધું છે કે કુશળતા અને કાબેલિયત સામે ઉંમર કંઈ જ ગણતરીમાં નથી.’
ટીમ ઇન્ડિયામાં ફિટનેસ વિશે જાગૃ‌તતા માટે વિરાટને ક્રેડિટ આપતાં ભજ્જીએ કહ્યું હતું કે ‘કોહલીનું સૌથી મોટું યોગદાન ભારતીય ટીમમાં ફિટનેસ કલ્ચર લાવવાનું છે. ભારતીય ખેલાડીઓમાં ફિટનેસ વિશેના અભિગમમાં બદલાવ માટે ૯૦ ટકા વિરાટ જ જવાબદાર છે. તે હંમેશાં ખેલાડીઓને કહેતો હતો કે જો તમે ફુલ્લી ફિટ હશો તો સહેલાઈથી દુનિયા જીતી શકશો.’
તેણે છેલ્લે ભારપૂર્વક કહ્યું હતું કે ‘ટૅલન્ટેડ પણ પ્રમાણમાં બિનઅનુભવી અને યુવા વૈભવ સૂર્યવંશી કરતાં વિરાટ અને રોહિત વર્લ્ડ કપ દરમ્યાનનો અપાર અપેક્ષાઓના ભાર સહેલાઈથી ઉઠાવી શકે છે.’

ગંભીર ઉમદા વ્યક્તિ છે, લોકો તેની સ્ટાઇલ પચાવી નથી શકતા

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની થઈ રહેલી ટીકાઓ સાથે હરભજન સિંહ જરાય સહમત નથી. તેણે કહ્યું હતું કે ‘ગૌતમની આટલી બધી ટીકા કેમ થઈ રહી છે? જ્યારે ટીમ સારું પ્રદર્શન નથી કરતી ત્યારે લોકો હંમેશાં કોચને જ કેમ દોષ આપે છે એ મને ક્યારેય સમજાતું નથી. હું  ગંભીરને બરાબર ઓળખું છું તે એક સમર્પિત અને ઝનૂની ખેલાડી હતો, જેણે હંમેશાં ટીમને જ પ્રાથમિકતા આપી છે. તે ખૂબ જ ઉમદા વ્યક્તિ છે. તે એકદમ સ્પષ્ટવક્તા છે. અમુક લોકોને તે કડવો લાગે છે, પણ જે પણ કહે છે એ કડવું સત્ય હોય છે જે ઘણા લોકો પચાવી નથી શકતા. તેનો અભિગમ હંમેશાં જીતવા માટેનો જ હોય છે અને સ્પષ્ટ પણે માને છે કે ટીમે જીતવા માટે જ રમવું જોઈએ.’

harbhajan singh lionel messi virat kohli rohit sharma cricket news team india indian cricket team sports news sports