ઇંગ્લૅન્ડ લાગલગાટ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરનાર પહેલી ટીમ બની

25 February, 2026 11:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૬૫ રનનો ટાર્ગેટ અંગ્રેજ ટીમે ૧૯.૧ ઓવરમાં ૧૬૬ રન કરીને ચેઝ કર્યો, T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પહેલો કૅપ્ટન બન્યો હૅરી બ્રૂક

હૅરી બ્રૂકે ૫૧ બૉલમાં ૧૦ ફોર અને ૪ સિક્સ સાથે ફટકારી સેન્ચુરી.

પલેકેલેમાં ગઈ કાલે પાકિસ્તાન સામે બે વિકેટે રોમાંચ જીત મેળવીને ઇંગ્લૅન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં પહેલી સેમી-ફાઇનલિસ્ટ બની છે. ૨૦૨૨થી ઇંગ્લૅન્ડ સતત પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચ્યું છે. સાહિબઝાદા ફરહાનની ફિફ્ટીની મદદથી પાકિસ્તાને ૯ વિકેટ ગુમાવીને ૧૬૪ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે હૅરી બ્રૂકની પહેલી T20 સદીના આધારે ૧૯.૧ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૬૬ રન કરીને ૧૬૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.  સેમી-ફાઇનલની રેસમાંથી પાકિસ્તાન ઑલમોસ્ટ બહાર થઈ ચૂક્યું છે. T20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડે આ હરીફ સામે તમામ ૪ મૅચ જીતી લીધી છે. T20 ફૉર્મેટમાં અંગ્રેજ ટીમ સામે પાકિસ્તાન સતત છઠ્ઠી મૅચ હાર્યું છે.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા પાકિસ્તાન માટે ઓપનર સાહિબઝાદા ફરહાને ૪૫ બૉલમાં ૭ ફોર અને બે સિક્સના આધારે ૬૩ રન ફટકાર્યા હતા. બાબર આઝમ અને ફખર ઝમાને પચીસ-પચીસ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડના સ્પિનર લિઍમ ડૉસને ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર અને જેમી ઓવરટનને બે-બે વિકેટ મળી હતી. રન-ચેઝ દરમ્યાન ઇંગ્લૅન્ડે શાહીન આફ્રિદીના તરખાટ વચ્ચે ૭.૧ ઓવરમાં ૫૮ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે રમીને કૅપ્ટન હૅરી બ્રૂક ૫૧ બૉલમાં ૧૦ ફોર અને ૪ સિક્સના આધારે ૧૦૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. આ તેની T20 ઇન્ટરનૅશનલ અને T20 વર્લ્ડ કપમાં કોઈ પણ કૅપ્ટનની સૌથી મોટી ઇનિંગ્સ હતી. એના સિવાય વિલ જૅક્સે ૨૮ રન અને સૅમ કરૅને ૧૬ રન કર્યા હતા. પાકિસ્તાનના પેસ બોલર શાહીન આફ્રિદીએ ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. સ્પિનર મોહમ્મદ નવાઝ અને ઉસ્માન તારિકને ૨-૨ વિકેટ મળી હતી.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સળંગ સેમી-ફાઇનલમાં હાજરી

111.5
T20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછા આટલા બૉલ રમનાર ખેલાડીઓ વચ્ચે આટલા ઓછા સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી છે બાબર આઝમે.

પાકિસ્તાનનાં સેમી-ફાઇનલનાં સમીકરણ

સુપર 8ના ગ્રુપ ટૂમાં ઇંગ્લૅન્ડ ૪ પૉઇન્ટ, +૧.૪૯૧ નેટ રન-રેટ સાથે પહેલા ક્રમે છે. ન્યુ ઝીલૅન્ડ એક રદ મૅચને કારણે ૧ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાન ઝીરો પૉઇન્ટ અને -૦.૪૬૧ના નેટ રન-રેટ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે શ્રીલંકા એક હારને કારણે ઝીરો પૉઇન્ટ અને -૨.૫૫૦ના નેટ રન-રેટને કારણે ચોથા ક્રમે છે. સેમી-ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાને પહેલાં તો શ્રીલંકા સામેની પોતાની અંતિમ મૅચ જીતવી જ પડશે. જો ન્યુ ઝીલૅન્ડ પોતાની આગામી બન્ને મૅચ હારશે તો પાકિસ્તાન ૩ પૉઇન્ટ સાથે સેમી-ફાઇનલમાં પહોંચી શકશે, પરંતુ જો ન્યુ ઝીલૅન્ડ પોતાની બેમાંથી એક મૅચ જીતશે તો પાકિસ્તાન સામે એના પૉઇન્ટ ૩-૩ થશે અને સેમી-ફાઇનલિસ્ટ ટીમનો નિર્ણય નેટ રન-રેટથી થશે. 

t20 world cup pakistan england cricket news sports news sports