વિરાટને કઈ રીતે આઉટ કરવો એ હવે બસ-ડ્રાઇવરને પણ ખબર છે

05 February, 2025 10:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફીની મૅચમાં કિંગ કોહલીને બોલ્ડ કરનારા હિમાંશુ સાંગવાનને ટીમ-બસના ડ્રાઇવરે આપી હતી ટિપ્સ

વિરાટ કોહલી, હિમાંશુ સાંગવાન

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામેની રણજી મૅચમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીને આઉટ કરીને રેલવેઝનો બોલર હિમાંશુ સાંગવાન છવાઈ ગયો છે. એક તરફ વિરાટ કોહલીના ફૅન્સ સોશ્યલ મીડિયા પર તેને અપશબ્દો કહી રહ્યા છે, તો બીજી તરફ મીડિયાના ઇન્ટરવ્યુમાં તેને લઈને રસપ્રદ વાતો બહાર આવી રહી છે. એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે કિંગ કોહલીને આઉટ કરવા માટે તેની ટીમ-બસના ડ્રાઇવરે પણ સલાહ આપી હતી. 

જમણા હાથનો આ ફાસ્ટ બોલર કહે છે, ‘અમે જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા એના ડ્રાઇવરે મને કહ્યું હતું કે તમે ચોથા-પાંચમા સ્ટમ્પ પર વિરાટ કોહલીને બોલિંગ કરશો તો તે આઉટ થઈ જશે. મને મારી જાત પર વિશ્વાસ હતો. હું બીજાની નબળાઈઓ કરતાં મારી શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો. મેં મારી શક્તિઓ પર બોલિંગ કરી અને વિકેટો મેળવી. વિરાટ કોહલી માટે કોઈ ચોક્કસ યોજના નહોતી. કોચ દ્વારા અમને શિસ્તબદ્ધ લાઇન પર બોલિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.’

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ દરમ્યાન કોહલી નવમાંથી આઠ ઇનિંગ્સમાં ઑફ-સ્ટમ્પની બહારના બૉલ પર આઉટ થયો છે. ૧૨ વર્ષ પછી રણજી મૅચમાં પણ તે ૧૫ બૉલમાં ૬ રન બનાવી આઉટ થયો હતો.

virat kohli new delhi ranji trophy arun jaitley cricket news sports news sports