28 February, 2025 08:29 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઈમામ-ઉલ-હકનો વાયરલ ઈન્ટરવ્યૂ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ઓડીઆઈ મૅચ પહેલાં ઈમામ-ઉલ-હકનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે કૅપ્ટન મોહમ્મદ રિઝવાન વિશે રસપ્રદ વાત કરી હતી. પાકિસ્તાનના ક્રિકેટર ઈમામ-ઉલ-હકનો ડિસેમ્બર 2024નો ઈન્ટરવ્યૂ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ ઈન્ટર્વ્યૂમાં તેને ટીમમાંથી કોઈને "લીડર" તરીકે પસંદ કરવા માટે પૂછવામાં આવ્યું હતું. પહેલા તો ઈમામ હસીને કહે છે કે તેના મનમાં કોઈનું નામ આવતું નથી. બાદમાં, તે મોહમ્મદ રિઝવાનનું નામ લઈ તેના વખાણ કરે છે, પણ તેના કારણો ક્રિકેટ સંબંધિત નહોતાં. ઈમામ અનુસાર, રિઝવાન એક સારો લીડર છે કારણ કે તે ધાર્મિક બાબતોને પ્રાથમિકતા આપે છે.
ઈમામે જણાવ્યું કે રિઝવાન નમાઝ માટે ખાસ રૂમની વ્યવસ્થા કરે છે. નમાઝ સમય માટે વોટ્સઍપ ગ્રૂપ બનાવે છે અને નૉન-મુસ્લિમ ખેલાડીઓને રૂમમાં પ્રવેશવા દેતો નથી. તે નમાઝ માટે સફેદ ચાદરોની વ્યવસ્થા પણ કરે છે.
સોશિયલ મીડિયા પર વિવાદ
ઈમામ-ઉલ-હકના આ ઈન્ટર્વ્યુ માટે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે 26 ફેબ્રુઆરીએ આ ક્લિપ શૅર કરીને લખ્યું કે, જ્યારે અન્ય ટીમોના કૅપ્ટન્સ સ્ટ્રેટેજી, શિસ્ત અને પ્રેક્ટિસ સમય પર ધ્યાન આપે છે, ત્યારે પાકિસ્તાની કૅપ્ટન અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. "અને પછી પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ રડતા રહે છે કે તેમની ટીમ સારું પરફોર્મ કેમ નથી કરતી," - એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને 6.5 લાખથી વધુ વાર જોવાઈ અને 2,000થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી.
આ વિવાદીત ટિપ્પણીઓએ પાકિસ્તાની ક્રિકેટમાં ધર્મ ભેદભાવના જૂના મામલાઓને ફરી એકવાર ચર્ચામાં લાવ્યા છે. દાનિશ કનેરીયા, એક હિંદુ ક્રિકેટર જે પાકિસ્તાન માટે રમ્યો હતો, તેના સાથે પણ ભેદભાવ થયો હતો. ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે દાનિશ કનેરીયાને તેના ધર્મના કારણે અલગ બેસીને જમવાનું કહેવામાં આવતું હતું.
સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
વાયરલ પોસ્ટના સંદર્ભમાં ઘણા યુઝર્સે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા. "ખોટી પ્રાથમિકતાઓ. પ્રોફેશનલ જવાબદારીઓ રાહ જોઈ શકે છે?" - એક યુઝર પ્રતિક્રિયા આપતા લખ્યું. "ક્રિકેટ એક ધર્મ છે, પણ અહીં જોવા મળે છે કે ધર્મ ક્રિકેટમાં કેવી રીતે સ્થાન મેળવી શકે." - બીજાએ ટિપ્પણી કરતાં કહ્યું. "જ્યારે દરેક ક્ષેત્રમાં ધર્મનો પ્રભાવ વધે છે, ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય. ધર્મ વ્યક્તિગત વસ્તુ છે, દરેક જગ્યાએ તેને વચ્ચે લાવવો જોઈએ નહીં." - એક અન્ય યુઝરે ટિપ્પણી આપી.