બે ઑસ્ટ્રેલિયન બોલર્સે T20 ઇતિહાસમાં પહેલી વાર એકસાથે ૪-૪ વિકેટ ઝડપી

12 February, 2026 09:46 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

૧૮૩ રનના ટાર્ગેટ સામે આયરલૅન્ડને ૧૧૫ રને રોકીને આૅસ્ટ્રેલિયાએ ૬૭ રને જીત મેળવી

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નૅથન એલિસે માત્ર ૧૨ રન અને સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ૨૩ રન આપીને ૪-૪ વિકેટ લીધી હતી.

T20 વર્લ્ડ કપ 2026ની ૧૩ મૅચ બાદ પાંચમા દિવસે પહેલી મૅચ રમનાર ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે વિજયી પ્રારંભ કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ મુશ્કેલ શરૂઆત છતાં ૬ વિકેટે ૧૮૨ રન કર્યા હતા. જવાબમાં કાંગારૂઓની શાનદાર બોલિંગ સામે આયરલૅન્ડ ૧૬.૫ ઓવરમાં ૧૧૫ રને ધરાશાયી થયું હતું. વર્તમાન વર્લ્ડ કપમાં સતત બીજા પરાજયનો સામનો કરનાર આયરલૅન્ડને કાંગારૂઓ સામે આ ફૉર્મેટમાં હૅટ-ટ્રિક હાર મળી છે.  

આયરલૅન્ડ જેવી ટીમ સામે ઑસ્ટ્રેલિયાએ ૯.૩ ઓવરમાં ૮૮ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી હતી. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરનાર માર્કસ સ્ટોઇનિસે ૨૯ બૉલમાં બે ફોર અને ૧ સિક્સની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા. ઓપનર જોશ ઇંગ્લિસે ૧૭ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૭ રન કર્યા હતા. કૅમરન ગ્રીને પણ ત્રીજા ક્રમે રમીને ૧૧ બૉલમાં ૧ ફોર, ૨ સિક્સના આધારે ૨૧ રન ફટકાર્યા હતા.

આયરલૅન્ડે ૭ ઓવરમાં ૪૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આઠમા ક્રમના બૅટર જ્યૉર્જ ડૉકરેલે ૨૯ બૉલમાં ૩ ફોર અને ૨ સિક્સની મદદથી ૪૧ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નૅથન એલિસે માત્ર ૧૨ રન અને સ્પિનર ઍડમ ઝૅમ્પાએ ૨૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી.

મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં હવે ૩૫ વખત એક ટીમના બે બોલર્સ એકસાથે ૪ કે એથી વધુ વિકેટ લઈ ચૂકયા છે. T20 વર્લ્ડ કપ ઇતિહાસની આ પાંચમી ઘટના છે. જ્યારે કાંગારૂ ટીમના બોલર્સે પહેલી જ વખત એક T20 ઇનિંગ્સમાં આવી કમાલ કરી છે.

22

આટલી વખત મૅચમાં ડબલ રન માટે દોડ્યા કાંગારૂ ટીમના પ્લેયર. મેન્સ T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં સૌથી વધુનો રેકૉર્ડ બન્યો.

આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ થયો ઇન્જર્ડ, સ્ટીવ સ્મિથને બૅકઅપ માટે બોલાવવો પડ્યો

આ અઠવાડિયાની શરૂઆતમાં તાલીમ દરમ્યાન જાંઘમાં ​ઇન્જરી થતાં ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ આયરલૅન્ડ સામેની ઓપનિંગ મૅચમાં રમી શક્યો નહોતો. તેના સ્થાને ટ્રૅવિસ હેડે સ્ટૅન્ડ ઇન-કૅપ્ટન તરીકે જવાબદારી સંભાળી હતી. આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ પણ ઓપનિંગ દરમ્યાન હૅમ​સ્ટ્રિન્ગ ઇન્જરીને કારણે રિટાયર્ડ આઉટ થયો હતો.

અનુભવી બૅટર સ્ટીવ સ્મિથને કાંગારૂ કૅપ્ટનના બૅકઅપ તરીકે શ્રીલંકામાં કાંગારૂ ટીમમાં જોડાવા માટે બોલાવી લેવામાં આવ્યો છે. સ્મિથ ઑસ્ટ્રેલિયા માટે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં T20 મૅચ રમ્યો હતો. 

t20 world cup international cricket council world cup australia ireland cricket news sports sports news