11 February, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એક અહેવાલ પ્રમાણે હાલમાં ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમ્યાન ફૅમિલી-મેમ્બરને સાથે રાખવા દેવાની કૅપ્ટન સૂર્યકુમાર યાદવની વિનંતીને ક્રિકેટ બોર્ડે નકારી કાઢી છે. સૂર્યકુમારે ખેલાડીઓ સાથે તેમની પત્ની અથવા મંગેતરને સાથે રહેવા દેવાની વિનંતી કરી હતી.
અહેવાલ પ્રમાણે ક્રિકેટ બોર્ડે એના જવાબમાં સ્પષ્ટ કર્યું હતું કે ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓના પરિવારને ટીમ સાથે રોકાવાની મંજૂરી નથી, પણ જો કોઈ કોઈ ખેલાડી ઇચ્છે તો પોતાના પરિવાર માટે હોટેલમાં અલગ રોકાવાની વ્યવસ્થા કરી શકે છે. એની સંપૂર્ણ જવાબદારી એ ખેલાડીએ ઉઠાવવી પડશે, બોર્ડ તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં.
ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં ભારતની ૧-૩થી શરમજનક હાર બાદ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ સાથે પરિવારના રહેવા વિશેના નિયમમાં ફેરફાર કરીને ૪૫ દિવસથી લાંબા વિદેશી પ્રવાસ દરમ્યાન ખેલાડીઓના પરિવારને વધુમાં વધુ ૧૪ દિવસ સુધી સાથે રાખવાની છૂટ આપી હતી.
ચૅમ્પિયન ભારતીય ટીમે રવિવારે વાનખેડેમાં USA સામે જીત મેળવીને શુભ શરૂઆત કરી હતી અને હવે આવતી કાલે એ દિલ્હીમાં નામિબિયા સામે રમશે અને ત્યાર બાદ શ્રીલંકા જશે જ્યાં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.