વિમેન્સ ડે ખાસ દિવસ બની રહ્યો સાયનની સ્નેહા ગાલા માટે

09 March, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરપ્રાઇઝમાં મળેલી ટિકિટ લઈને ૧૨ વર્ષે પતિ સાથે સ્ટેડિયમમાં બેસીને જોઈ મૅચ

સ્નેહા અને હાર્દિક ગાલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માટે સાયનની સ્નેહા ગાલા તેના પતિ હાર્દિક સાથે આવીને બહુ ખુશ હતી, કેમ કે તેના લગ્નજીવનના બારમા વર્ષે વિમેન્સ ડે નિમિત્તે તેને મૅચની ટિકિટની સરપ્રાઇઝ મળી હતી.

લગ્નજીવનનાં ૧૨ વર્ષ દરમ્યાન એક યા બીજા કારણસર મૅચ જોવા જવાનો મોકો મળતો નહોતો, પરંતુ હાર્દિક ગાલાએ રવિવારે વિમેન્સ ડે હોવાથી અને એ જ દિવસે ફાઇનલ મૅચ રમાવાની હોવાથી પત્ની સ્નેહાને વિમેન્સ ડેની સરપ્રાઇઝ આપવાનું પ્લાનિંગ કરીને મૅચની ટિકિટ આપી ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠી હતી. મૅચ જોવા અમદાવાદ આવેલી સાયનની સ્નેહા ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિમેન્સ ડેનો આ દિવસ મારા માટે ખાસ દિવસ બની રહ્યો. આ પહેલાં મેં ક્યારેય સ્ટેડિયમમાં આવો માહોલ જોયો નહોતો. T20 વર્લ્ડ કપની મૅચ સ્ટેડિયમમાં બેસીને જોવાનો લહાવો કંઈક અલગ જ લાગ્યો. મૅચ પહેલાંથી જ સ્ટેડિયમમાં આખો માહોલ જબરદસ્ત ઉત્સાહી હતો. ચારે બાજુ તિરંગા લહેરાતા હતા અને જોમ-જુસ્સાનું વાતાવરણ હતું.’ 

મુંબઈથી આવ્યાં મૅચ જોવા ફૅમિલી-ફ્રેન્ડ્સ 

કાંદિવલીમાં રહેતો ચિંતન જડિયા અને તેની પત્ની ઝરણા તથા દીકરો અધિરાજ ફ્રેન્ડ્સ સાથે ફાઇનલ મૅચ જોવા ખાસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યાં હતાં. દીકરાને ખભા પર બેસાડીને ચિંતન સ્ટેડિયમમાં આવ્યો હતો.

માટુંગામાં રહેતો રૂપેશ શાહ ફૅમિલીના ૭ સભ્યો સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ જોવા આવ્યા હતા. ફૅમિલીના સભ્યોએ યાદગીરી રૂપે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.

t20 world cup world cup international cricket council narendra modi stadium ahmedabad india team india indian cricket team sion international womens day cricket news sports sports news