પાકિસ્તાન સરકાર પોતાની ક્રિકેટ-પેઢીનો નાશ કરી રહી છે, ખેલાડીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે : કપિલ દેવ

04 February, 2026 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપવિજેતા કૅપ્ટન કપિલ દેવે પાકિસ્તાન સરકારના નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે

કપિલ દેવ

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામે ન રમવાના નિર્ણયને કારણે ક્રિકેટજગતમાં ગુસ્સો, મૂંઝવણ અને અવિશ્વાસ ફેલાયાં છે. પાકિસ્તાન સરકારના નિર્ણયથી પાકિસ્તાની મેન્સ ટીમ પર સૌથી વધુ પ્રેશર આવ્યું છે. ભારત સામે ન રમવાથી પાકિસ્તાનનો સ્કોર ૨૦ ઓવરમાં ઝીરો ગણાશે અને એની ખરાબ અસર એમના નેટ રનરેટ પર પડશે. ગ્રુપ-સ્ટેજના અંતે પૉઇન્ટ સરખા હોવાના કિસ્સામાં આગળ વધવા માટે નેટ રનરેટ મહત્ત્વનો ભાગ ભજવે છે.

ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપવિજેતા કૅપ્ટન કપિલ દેવે પાકિસ્તાન સરકારના નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘જો ખેલાડીઓએ નિર્ણય લીધો હોય તો તેઓ આગળ આવીને એમ કહી શકે છે. જોકે જો ક્રિકેટ બોર્ડ કહે કે તમે નહીં રમો તો એ દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આ પાકિસ્તાન માટે સારું લાગતું નથી. તમે એક પેઢીનો નાશ કરી રહ્યા છો. પાકિસ્તાને વર્ષોથી આપણને મહાન પ્રતિભા આપી છે, પરંતુ જો તમે આ છોકરાઓને વર્લ્ડ કપમાં રમવા ન દો તો તમે એક પેઢીનો નાશ કરી રહ્યા છો અને રમતને નુકસાન પહોંચાડી રહ્યા છો. તમે તમારા પોતાના ખેલાડીઓ સાથે અન્યાય કરી રહ્યા છો.’

t20 world cup pakistan kapil dev cricket news sports sports news india sri lanka