13 February, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્જર્ડ કૅપ્ટન વેઇન મૅડસનના સ્થાને હૅરી મેનેન્ટીએ કૅપ્ટનની જવાબદારી સંભાળી હતી. ટૉસ સમય તે રોહિત પૌડેલ સાથે સ્મૃતિભેટની આપ-લે કરતો જોવા મળ્યો હતો.
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ગઈ કાલે ઇટલીની પહેલી T20 વર્લ્ડ કપની જીતનું સાક્ષી બન્યું હતું. ગ્રુપ Cની ટીમ નેપાલ સામે મળેલી જીત ઇટલીની T20 ઇતિહાસની પહેલી ૧૦ વિકેટની જીત હતી. નેપાલની ટીમે ૩૦ રનમાં છેલ્લી ૭ વિકેટ ગુમાવીને ૧૯.૩ ઓવરમાં ૧૨૩ રન કર્યા હતા. જવાબમાં ઇટલીએ ૧૨.૪ ઓવરમાં શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી ૪૪ બૉલ પહેલાં ધમાકેદાર જીત મેળવી હતી.
આ જ સ્ટેડિયમમાં થોડા દિવસ પહેલાં નેપાલે ઇંગ્લૅન્ડ જેવી ટીમ સામે પાવર દેખાડ્યો હતો, પરંતુ ગઈ કાલે ઇટલી સામેની પહેલી ઇન્ટરનૅશનલ ટક્કરમાં નેપાલની હવા નીકળી ગઈ હતી. ICCના T20 રૅન્કિંગ્સમાં નેપાલ ૧૮મો અને ઇટલી ૨૬મો ક્રમ ધરાવે છે એટલે T20 વર્લ્ડ કપનો આ પહેલાં મોટો ઊલટફેર છે. ઇટલીની આ ફૉર્મેટમાં આ પ્રથમ ૧૦ વિકેટની જીત પણ સામેલ હતી.
નેપાલ માટે આરિફ શેખે ૨૪ બૉલમાં ૩ ફોરની મદદથી સૌથી વધુ ૨૭ રન કર્યા હતા. કૅપ્ટન રોહિત પૌડેલ ૧૪ બૉલમાં બે સિક્સરના આધારે ૨૩ રનની મોટી ઇનિંગ્સ રમ્યો હતો. આસિફ શેખે ૨૦ રનનું અને દીપેન્દ્ર સિંહે ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર ક્રિશન કલુગમેજે ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. અન્ય સ્પિનર બેન મેનેન્ટીએ ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને બે વિકેટ લીધી હતી. નેપાલની ટીમે ૩૦ રનની અંદર અંતિમ ૭ વિકેટ ગુમાવી હતી.
ઇટલીની ઓપનિંગ જોડીએ નેપાલના ૬ બોલર્સ સામે ૯.૭૯ના રનરેટથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જસ્ટિન મોસ્કાએ પાંચ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૪૪ બૉલમાં ૬૦ રન અને ઍન્થની મોસ્કાએ ૩૨ બૉલમાં ૩ ફોર અને ૬ સિક્સની મદદથી ૬૨ રન કર્યા હતા. ઓમાન અને સ્કૉટલૅન્ડ બાદ ઇટલી ત્રીજી અસોસિએટ ટીમ બની હતી, જેણે T20 વર્લ્ડ કપમાં ૧૦૦+ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હોય.
ઇટલીના ઓપનર્સ જસ્ટિન મોસ્કા અને ઍન્થની મોસ્કા ખરેખર તો ભાઈઓ છે. ભાઈઓની આ જોડીએ ગઈ કાલે ૧૨૪ રનની યાદગાર ભાગીદારી કરી હતી. T20 વર્લ્ડ કપમાં તેઓ ૧૦૦ પ્લસ રનની ભાગીદારી કરનાર ભાઈઓની પ્રથમ જોડી બની હતી. અગાઉ ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના કામરાન અકમલ અને ઉમર અકમલે ૯૬ રનની ભાગીદારી કરી હતી. આ લિસ્ટમાં ભાઈઓની ત્રીજી જોડી ઇટલીની જ છે. સ્કૉટલૅન્ડ સામેની પહેલી વર્લ્ડ કપ મૅચમાં હેરી મેનેન્ટી અને બેન મેનેન્ટીએ ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી.
ઇટલીનો ૩૪ વર્ષનો લેગ સ્પિનર ક્રિશન કલુગમેજે પહેલી વર્લ્ડ કપ જીતમાં શાનદાર બોલિંગને કારણે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. બે દાયકા પહેલાં તે પોતાની ફૅમિલી સાથે શ્રીલંકાથી ઇટલી શિફ્ટ થયો હતો. ઇટલી પીત્ઝા માટે વિશ્વભરમાં વખણાય છે. ક્રિશન કલુગમેજે એક સમયે પીત્ઝા શૉપમાં શેફ હતો. ક્રિકેટ પ્રત્યેના ઝનૂનને કારણે તેણે ઘણી નોકરીઓ ગુમાવવી પડી હતી. જુલાઈ ૨૦૨૨થી તે ઇટલી માટે ૨૦ T20 મૅચ રમ્યો છે અને ૨૩ વિકેટ લીધી છે.