04 March, 2026 09:32 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટન
આજે સાંજે ૭ વાગ્યે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલ મૅચ રમાશે. T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ જેવી નૉકઆઉટ મૅચમાં સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ પહેલી જ વખત સામસામે ટકરાશે. આ ટુર્નામેન્ટમાં ન્યુ ઝીલૅન્ડ ૨૦૦૭, ૨૦૧૬, ૨૦૨૧ અને ૨૦૨૨ બાદ પાંચમી વખત સેમી-ફાઇનલ મૅચ રમશે. સાઉથ આફ્રિકા ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૨૪ બાદ ચોથી વખત સેમી-ફાઇનલ મૅચ રમવા ઊતરશે. T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ એક-એક વાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ હજી સુધી ટાઇટલ જીતી શકી નથી.
અજેય સાઉથ આફ્રિકન ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં એન્ટ્રીની આશા રાખશે. વર્તમાન ટુર્નામેન્ટમાં એઇડન માર્કરમની ટીમ એકમાત્ર અજેય ટીમ છે. ૨૦૨૧ના વર્લ્ડ કપની રનર-અપ ટીમ ન્યુ ઝીલૅન્ડ આ હરીફ સામે T20 વર્લ્ડ કપમાં ક્યારેય ન જીતવાનો સિલસિલો તોડવા ઊતરશે. ICC ટુર્નામેન્ટની ત્રણેય નૉકઆઉટ મૅચોમાં ન્યુ ઝીલૅન્ડ આ હરીફ સામે અપરાજિત રહ્યું છે.
બન્ને ટીમ વચ્ચે ૧૯ T20 મૅચ રમાઈ છે, એમાંથી સાઉથ આફ્રિકા ૧૨ અને ન્યુ ઝીલૅન્ડ ૭ મૅચ જીત્યું છે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે પહેલી વખત T20 ટક્કર થશે. ન્યુ ઝીલૅન્ડને અહીં બે T20 મૅચમાં ૧ હાર અને ૧ જીત મળી છે. સાઉથ આફ્રિકા અહીં પહેલી વખત T20 મૅચ રમશે.
૨૦૦૭માં ગ્રુપ-સ્ટેજ મૅચ : સાઉથ આફ્રિકાની ૬ વિકેટે જીત
૨૦૦૯માં ગ્રુપ-સ્ટેજ મૅચ : સાઉથ આફ્રિકાની એક રને જીત
૨૦૧૦માં ગ્રુપ-સ્ટેજ મૅચ : સાઉથ આફ્રિકાની ૧૩ રને જીત
૨૦૧૪માં ગ્રુપ-સ્ટેજ મૅચ : સાઉથ આફ્રિકાની બે રને જીત
૨૦૨૬માં ગ્રુપ-સ્ટેજ મૅચ : સાઉથ આફ્રિકાની ૭ વિકેટે જીત
૨૦૧૧ વન-ડે વર્લ્ડ ક્વૉર્ટર ફાઇનલ : ન્યુ ઝીલૅન્ડની ૪૯ રને જીત
૨૦૧૫ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ : ન્યુ ઝીલૅન્ડની ૪ વિકેટ જીત
૨૦૨૫ ચૅમ્પિયન્સ ટ્રોફી સેમી-ફાઇનલ : ન્યુ ઝીલૅન્ડની ૫૦ રને જીત