07 February, 2026 09:04 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
ભારત-પાકિસ્તાનની કોલંબોમાં નિર્ધારિત ૧૫ ફેબ્રુઆરીની મૅચ બાબતે સહ-યજમાન શ્રીલંકા ક્રિકેટ તરફથી મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને લેટર લખીને પુનર્વિચાર કરવા વિનંતી કરીને ચેતવણી પણ આપી છે.
શ્રીલંકા ક્રિકેટે એના બે પેજના લેટરમાં લખ્યું છે કે ‘અમારો દેશ ટુર્નામેન્ટનું આયોજન કરવા આતુર છે અને પુષ્ટિ આપી છે કે શ્રીલંકામાં મૅચો માટે તમામ વ્યાપારી, ઑપરેશનલ, લૉજિસ્ટિકલ અને સુરક્ષાની તૈયારીઓ પહેલાંથી જ પૂર્ણ થઈ ગઈ છે જેમાં આતિથ્ય-વ્યવસ્થા અને ટિકિટ-વેચાણનો સમાવેશ થાય છે. હાઈ પ્રોફાઇલ ભારત-પાકિસ્તાન મૅચ માટેની ટિકિટ પહેલાંથી જ વેચાઈ ગઈ છે.’
લેટરમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમે પડકારજનક અને સંવેદનશીલ પરિસ્થિતિઓ છતાં ઘણી વખત પાકિસ્તાનની ટૂર કરી છે જેમાં ગંભીર સુરક્ષા-ચિંતાઓનો સમયગાળો પણ સામેલ છે, જ્યારે અન્ય ટીમો મુસાફરી કરવામાં ખચકાટ અનુભવતી હતી. એ ટૂર સારા વિશ્વાસ અને બન્ને બોર્ડ વચ્ચે રમતગમત અને પરસ્પર આદરની ભાવનાથી કરવામાં આવી હતી. હવે અમે સમાન પારસ્પરિકતાની અપેક્ષા રાખીએ છીએ. આવી હાઈ પ્રોફાઇલ મૅચમાં ભાગ ન લેવાથી ગંભીર પરિણામો આવી શકે છે જેમાં નોંધપાત્ર નાણાકીય નુકસાન, પ્રવાસન-આવકમાં ઘટાડો અને વ્યાપક આર્થિક અસરનો સમાવેશ થાય છે.’