૮૪-૬થી ૧૬૮-૭ના સ્કોર સુધી પહોંચીને ન્યુ ઝીલૅન્ડે ૬૧ રને જીત મેળવી અને શ્રીલંકાને વર્લ્ડ કપમાંથી બહાર કર્યું

26 February, 2026 09:58 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ટુર્નામેન્ટની સાતમી વિકેટની હાઇએસ્ટ ભાગીદારીને આધારે ન્યુ ઝીલૅન્ડે ૧૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, શ્રીલંકા ૮ વિકેટે ૧૦૭ રન જ કરી શક્યું

રચિન રવીન્દ્રએ ૪ ઓવરમાં ૨૭ રન આપી ૪ વિકેટ લીધી. શ્રીલંકાના કૅપ્ટન દસુન શનાકાની વિકેટ લીધા બાદ કૅપ્ટન મિચલ સૅન્ટર સાથે વિકેટની ઉજવણી કરતો રચિન રવીન્દ્ર.

કોલંબોમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે ૬૧ રને સુપર ૮ની મૅચ જીતીને યજમાન શ્રીલંકાને T20 વર્લ્ડ કપમાંથી લગભગ બહાર કરી દીધું હતું. ન્યુ ઝીલૅન્ડે ૭ વિકેટ ગુમાવીને આપેલા ૧૬૯ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૮ વિકેટે ૧૦૭ રન જ કરી શક્યું હતું.

T20 વર્લ્ડ કપમાં ૧૦૦ રનની અંદર ૬ વિકેટ ગુમાવ્યા બાદ સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ ન્યુ ઝીલૅન્ડના નામે થયો હતો. તેઓ ગ્રુપ ટૂમાં ૩ પૉઇન્ટ સાથે ઇંગ્લૅન્ડ (૪ પૉઇન્ટ) બાદ બીજા ક્રમે છે. ૨૦૧૪માં પહેલી વખત ચૅમ્પિયન બન્યા બાદ શ્રીલંકા સતત પાંચમી વખત સેમી-ફાઇનલમાં નથી પહોંચી શક્યું.

શ્રીલંકન બોલર્સના તરખાટ વચ્ચે શરૂઆતની ઓવર્સમાં રચિન રવીન્દ્રએ ૩૨ રન, ફિન એલને ૨૩ રન અને ગ્લેન ફિલિપ્સે ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. ન્યુ ઝીલૅન્ડે ૧૨.૧ ઓવરમાં ૮૪ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી હતી. અહીંથી મિચલ સૅન્ટનર અને કોલ મૅકૉન્ચીએ ૮૪ રનની ભાગીદારી કરી હતી.

મિચલ સૅન્ટનરે ૨૬ બૉલમાં બે ફોર અને ૪ સિક્સના આધારે ૪૭ રન કર્યા હતા. મૅકૉન્ચીએ ૨૩ બૉલમાં ૩ ફોર અને બે સિક્સ ફટકારીને અણનમ ૩૧ રન કર્યા હતા. શ્રીલંકાના પેસ બોલર દુષ્મન્થા ચમીરા અને મહેશ થીક્ષણાને ૩-૩ વિકેટ મળી હતી.

ન્યુ ઝીલૅન્ડની શાનદાર બોલિંગ અને ફીલ્ડિંગ વચ્ચે શ્રીલંકાએ ૧૫ ઓવરમાં ૭૭ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા માટે કમિન્દુ મેન્ડિસે ૨૩ બૉલમાં ૩૧ રન અને દુનિથ વેલ્લાલગેએ ૨૩ બૉલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય મૂળના કિવી સ્પિનર રચિન રવીન્દ્રએ ૪ ઓવરમાં ૨૭ રન આપી ૪ વિકેટ લઈને પોતાની T20 કરીઅરનું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કર્યું હતું. પેસ બોલર મૅટ હેન્રી, સ્પિનર્સ મિચલ સૅન્ટનર અને ગ્લેન ફિલિપ્સે ૧-૧ વિકેટ લીધી હતી. 

t20 world cup international cricket council world cup new zealand sri lanka cricket news sports sports news rachin ravindra