14 February, 2026 08:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય મૂળના આર્યનશ શર્મા T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં UAE માટે ૭૪ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો.
દિલ્હીમાં ગઈ કાલે બપોરની મૅચમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ કૅનેડા સામે પાંચ વિકેટે મૅચ જીતીને વર્તમાન T20 વર્લ્ડ કપમાં પહેલી જીત નોંધાવી હતી. ત્રીજી વખત T20 વર્લ્ડ કપ રમી રહેલા UAEએ વર્લ્ડ કપ ઇતિહાસમાં ૨૦૨૨માં માત્ર નામિબિયા સામે જીત નોંધાવી હતી. સતત બીજી મૅચ હારનાર કૅનેડાએ ૭ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. જવાબમાં UAEએ ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
અમદાવાદમાં જન્મેલા ૨૮ વર્ષના ઑલરાઉન્ડર હર્ષ ઠાકરે ૩ સિક્સ અને બે ફોરના આધારે ૪૧ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા. પાકિસ્તાની મૂળના UAEના મીડિયમ પેસ બોલર જુનૈદ સિદ્દીકીએ ૪ ઓવરમાં ૩૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડ કપમાં UAE માટે બેસ્ટ પ્રદર્શન કરનાર બોલર બન્યો હતો.
રન-ચેઝ દરમ્યાન ઉત્તર પ્રદેશમાં જન્મેલા ૨૧ વર્ષના આર્યનશ શર્માએ T20 વર્લ્ડ કપમાં UAE માટેની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમી હતી. તેણે ઓપનિંગમાં ઊતરીને ૬ ફોર, ૩ સિક્સની મદદથી ૫૩ બૉલમાં ૭૪ રન ફટકાર્યા હતા. ૧૨.૩ ઓવરમાં UAEએ ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે રમીને સોહેબ ખાને ૪ ફોર, ૪ સિક્સ ફટકારી ૨૯ બૉલમાં ૫૧ રનની ઇનિંગ્સના આધારે શાનદાર વાપસી કરાવી આપી હતી.