11 March, 2026 11:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અર્શદીપે ફૉલો-થ્રૂમાં બૉલ પકડીને ગુસ્સામાં બૅટર અને ન્યુ ઝીલૅન્ડના વાઇસ કૅપ્ટન ડૅરિલ મિચલ પર ફેંક્યો હતો
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ દરમ્યાન ડૅરિલ મિચલ પર બૉલ ફેંકવા બદલ પેસ બોલર અર્શદીપ સિંહને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ દંડ ફટકાર્યો છે. રવિવારે ફાઇનલમાં ૧૧મી ઓવરમાં અર્શદીપે ફૉલો-થ્રૂમાં બૉલ પકડીને ગુસ્સામાં બૅટર અને ન્યુ ઝીલૅન્ડના વાઇસ કૅપ્ટન ડૅરિલ મિચલ પર ફેંક્યો હતો જે મિચલને પૅડ પર વાગ્યો હતો અને તે ખૂબ જ ગુસ્સે થયો હતો. અર્શદીપને તેની ભૂલ સમજાઈ હતી અને ઓવરના અંતે તેણે મિચલને હાથ મેળવીને સૉરી કહ્યું હતું. મૅચ બાદ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં અર્શદીપ સિંહ ડૅરિલ મિચલને ભેટીને માફી માગતો જોવા મળ્યો હતો.
અમ્પાયરના રિપોર્ટ બાદ મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે અશર્દીપને ૧૫ ટકા મૅચ-ફી અને એક ડિમેરિટ પૉઇન્ટનો દંડ કર્યો હતો. આ ગુના બદલ ૫૦ ટકા મૅચ-ફી અને બે ડિમેરિટ પૉઇન્ટનો દંડ થઈ શકે છે, પણ છેલ્લા ૨૪ મહિનામાં અર્શદીપનો આ પ્રથમ જ ગુનો હોવાથી મૅચ રેફરીએ તેને થોડી હળવી સજા કરી હતી. અર્શદીપે તેનો ગુનો અને સજા સ્વીકારી લીધી હોવાથી આ બાબતે વધુ કોઈ સુનાવણી નહીં થાય.