‘ફાઇનલ પહેલાંની ફાઇનલ’ માટે દુબઈમાં તખ્તો તૈયાર

22 October, 2021 04:16 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

રવિવારના ભારત-પાકિસ્તાનના હાઇ-વૉલ્ટેજ મુકાબલા પહેલાં જોરદાર મીડિયા-વૉર

પાકિસ્તાન સામે રવિવારે જીતવા માટે મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની અને કૅપ્ટન વિરાટ કોહલી વચ્ચે દુબઈમાં જોરદાર પ્લાનિંગ થઈ રહ્યું છે

ભારતે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની બન્ને વૉર્મ-અપ મૅચ જીતી લીધી છે અને હવે વિરાટ કોહલી તથા તેની ટીમ રવિવારે ૨૪ ઑક્ટોબરે (સાંજે ૭.૩૦થી) દુબઈમાં પાકિસ્તાન સામે રમાનારી કાંટે કી ટક્કર માટેની નેટ-પ્રૅક્ટિસ, વિડિયો ઍનૅલિસિસ સહિતના પ્લાનિંગમાં વ્યસ્ત છે. ભારતે ક્રિકેટના તમામ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું જ છે એટલે ભારતીયો એ ક્લીન રેકૉર્ડ સાથે રવિવારે મેદાનમાં આવશે. જોકે એ મુકાબલા પહેલાં અત્યારે સોશ્યલ મીડિયા પર અને વિવિધ ચૅનલોને અપાઈ રહેલા ઇન્ટરવ્યુમાં ભારતતરફી અને પાકિસ્તાનતરફી ભૂતપૂર્વ ક્રિકેટરો તથા નિષ્ણાતો તેમ જ ક્રેઝી ચાહકોએ અભિપ્રાય આપ્યા છે અને જૂની તસવીરો ફરી અપલોડ કરી એકમેકના વર્લ્ડ કપના જોશને નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરાયો છે.

લક્ષ્મણે બતાવી ‘લક્ષ્મણરેખા’

વીવીએસ લક્ષ્મણના મતે રવિવારે પાકિસ્તાન સામે ભારત જ જીતશે. જોકે તેણે કહ્યું છે કે જો ઇલેવન નક્કી કરવામાં સમજદારી રાખવામાં આવશે તો ભારત માટે જીત નક્કી છે. લક્ષ્મણે અશ્વિનની બાદબાકી કરીને યુવા ખેલાડીઓ સહિતની પોતાની પસંદગીની ઇલેવન (બૅટિંગક્રમમાં) સૂચવી છે : રોહિત શર્મા, કે. અેલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર.

કપ જીતવા ભારત ફેવરિટ : ઇન્ઝી

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે રવિવારના ભારત-પાકિસ્તાન મુકાબલા વિશે કંઈ નથી કહ્યું, પરંતુ તેણે વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે ભારતને ફેવરિટ ગણાવ્યું છે. ઇન્ઝીના મતે રવિવારનો ભારત-પાક મુકાબલો ‘ફાઇનલ પહેલાંની ફાઇનલ’ જેવો છે. યુએઈની પિચ ભારતની પિચ જેવી જ કહી શકાય એટલે એના પર ભારતને ચૅમ્પિયનપદ મેળવવાનો સારો મોકો છે. યુએઈની પિચ પર ભારતની ટીમને મોસ્ટ ડેન્જરસ કહી શકાય.’

બાબરનો તારણહાર હેડન શું કહે છે?

બાબર આઝમની કૅપ્ટન્સીવાળી પાકિસ્તાનની ટીમને ઑસ્ટ્રેલિયાના મહાન ઓપનિંગ બૅટર મૅથ્યુ હેડન તરફથી માર્ગદર્શન મળી રહ્યું છે. હેડનના મતે ભારત-પાક મુકાબલામાં નેતૃત્વ જેનું ચડિયાતું હશે તેની ટીમના વિજયની સંભાવના વધુ છે.

બ્રેટ લી માટે ભારત ફેવરિટ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર બ્રેટ લીઅે કહ્યું છે કે ૅભારત આ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ જણાય છે. મારા મતે કે. અેલ. રાહુલના રન આખી ટુર્નામેન્ટમાં હાઇઅેસ્ટ હશે અને મોહંમદ શમી જેટલી બીજા કોઈની વિકેટો નહીં હોય.’

sports sports news cricket news india pakistan wt20 world t20 t20 world cup