ભારત આજે પાકિસ્તાનને લગાવશે ૧૩મી લપડાક?

24 October, 2021 02:38 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે ૧૨ વખત હારી ચૂકેલા પાકિસ્તાનનો છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત કરતાં ખરાબ ટી૨૦ રેકૉર્ડ છે : વિરાટસેના આક્રમણ કરવા તૈયાર થઈ જાય

વિરાટ કોહલી, બાબર આઝમ

ભારત-પાકિસ્તાનના કોઈ પણ ખેલાડીઓ ક્રિકેટજગતમાં ભલે ગમેએટલા નાના હોય, પણ એકમેકની સામે રમવા આવે એટલે તે મેગાસ્ટાર બની જાય છે અને આજે (સાંજે ૭.૩૦થી) મેગા સ્ટાર્સની બે ઇલેવનની દુબઈમાં ટક્કર છે.

વર્લ્ડ કપ જેવી કોઈ પણ મોટી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની હોય તો એને ‘ફાઇનલ પહેલાંની ફાઇનલ’ અને ‘મધર ઑફ ક્લૅશિસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આ બન્ને દેશોના તો શું, સંપૂર્ણ ક્રિકેટજગતના લોકો અને બીજી રમતોના ચાહકોની પણ આ મુકાબલા પર નજર હોય છે. અસંખ્ય લોકો આનંદના ઉન્માદમાં આવી જતા હોય છે તો અનેક લોકોનાં દિલ તૂટી જાય છે. સટ્ટાબજારમાં પણ અભૂતપૂર્વ તેજી આવી જાય છે અને મૅચના છેલ્લા બૉલ સુધી લોકોનો રોમાંચ જળવાઈ રહે છે.

આજના દુબઈના મુકાબલા પહેલાંથી જ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર ઝનૂન અનુભવાયું છે અને વિરાટ કોહલી ઍન્ડ કંપની એની સામે મેદાન પર ઊતરશે ત્યારે કરોડો ભારતીયોના મનમાં આ દુશ્મન દેશની ટીમ સામેનો દાવાનળ વધુ ઉગ્ર બનશે. ટી૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને તમામ પાંચેપાંચ વાર અને વન-ડે વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં તમામ સાતેસાત વાર (કુલ ૧૨ વખત) હરાવ્યું છે અને આજે કદાચ, પાકિસ્તાનને ૧૩મી લપડાક પડશે.

છેલ્લાં ૧૦ વર્ષની રેકૉર્ડ-બુક

છેલ્લાં ૧૦ વર્ષમાં પાકિસ્તાન કુલ ૧૨૯માંથી ૭૭ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ જીત્યું છે એટલે એનો વિનિંગ રેશિયો ૫૯.૭ ટકા છે. ૨૦૧૧થી ૨૦૨૧ દરમ્યાન ૪૫ ટી૨૦ મૅચ હાર્યું છે, જ્યારે બે મૅચ ટાઇ થઈ છે અને પાંચ મુકાબલા અનિર્ણીત રહ્યા છે. એની તુલનામાં ભારત ૨૦૧૧થી અત્યાર સુધી ૧૧૫માંથી ૭૩ ટી૨૦ મૅચ જીત્યું છે એટલે ભારતનો ચડિયાતો વિનિંગ રેશિયો ૬૩.૫ ટકા છે. ભારત માત્ર ૩૭ મૅચ હાર્યું છે, બે મૅચ ટાઇ થઈ છે અને ત્રણ મૅચમાં કોઈ પરિણામ નહોતું આવ્યું.

બે વર્ષમાં પહેલી ટક્કર

ભારત અને પાકિસ્તાન ૨૦૧૯ના વન-ડેના વર્લ્ડ કપમાં સામસામે આવ્યાં (જેમાં ભારતે ૮૯ રનથી વિજય મેળવેલો) હતાં અને ત્યાર પછી બે વર્ષે પહેલી વાર ફરી એક જ મેદાન પર ભેગાં થઈ રહ્યા ંછે. હા, એક વાત કહેવી પડે કે ભારતની ટીમમાં મોટા ભાગના અનુભવી ખેલાડીઓ છે, જ્યારે પાકિસ્તાનમાં ઘણા નવયુવાનો છે જેથી તેમની ટેક્નિક અને બોલિંગનાં વેરિએશન્સ આજે ભારતીયો માટે નવાં હશે એટલે કિંગ કોહલીની ટીમે ખૂબ સાવચેત રહેવું પડશે.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમનો મેન્ટર છે, જ્યારે મૅથ્યુ હેડન પાકિસ્તાનનો બૅટિંગ-કન્સલ્ટન્ટ છે.

ભારતના ગ્રુપ-2માં કોણ-કોણ?

(૧) ભારત, (૨) પાકિસ્તાન,

(૩) ન્યુ ઝીલૅન્ડ, (૪) અફઘાનિસ્તાન, (૫) સ્કૉટલૅન્ડ, (૬) નામિબિયા

ગ્રુપ-1માં કઈ-કઈ ટીમ?

(૧) ઑસ્ટ્રેલિયા, (૨) સાઉથ આફ્રિકા, (૩) ઇંગ્લૅન્ડ, (૪) વેસ્ટ ઇન્ડીઝ,

(૫) શ્રીલંકા, (૬) બંગલા દેશ

આજ હમારી ટક્કર હૈ...

ભારત : વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર.

પાકિસ્તાન : બાબર આઝમ (કૅપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હૅરિસ રૉફ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને હૈદર અલી.

કોના મુકાબલા થઈ શકે?

કે. એલ. રાહુલ v/s શાહીન આફ્રિદી

રોહિત શર્મા v/s શાહીન આફ્રિદી

વિરાટ કોહલી v/s હસન અલી

સૂર્યકુમાર યાદવ v/s શાદાબ ખાન

બાબર આઝમ v/s બુમરાહ

ફખર ઝમાન v/s મોહમ્મદ શમી

શોએબ મલિક v/s રવીન્દ્ર જાડેજા

આઇસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની માત્ર ત્રણ જીત

આઇસીસીની ટુર્નામેન્ટમાં ભારતના હાથે પાકિસ્તાને મોટા ભાગે પછડાટ જ ખાધી છે. પાકિસ્તાન માત્ર ત્રણ વાર ભારત સામે જીત્યું છે અને એ ત્રણેય વિજય ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હતા. એ સિવાય, તમામ વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાનને (કુલ ૧૨) લપડાક જ મળી છે.

પ્રૅક્ટિસ-મૅચમાં શું બન્યું?

૧. વર્તમાન વર્લ્ડ કપના આરંભ પહેલાં ભારત પોતાની બન્ને પ્રૅક્ટિસ મૅચ જીત્યું હતું. ઇંગ્લૅન્ડ સામે ભારત ૭ વિકેટે અને ઑસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે જીત્યું.

૨. પાકિસ્તાને પહેલી પ્રૅક્ટિસ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૭ વિકેટે હરાવ્યું, પરંતુ સાઉથ આફ્રિકા સામે ૬ વિકેટે હારી ગયું. સાઉથ આફ્રિકાના રૉસી વૅન ડર ડુસેને મૅચવિનિંગ અણનમ સેન્ચુરીથી પાકિસ્તાનની બોલિંગની ખબર લઈ નાખી હતી.

કૅપ્ટન કોહલીનાં મહત્ત્વનાં ચાર કથન

૧. હાર્દિક છઠ્ઠા નંબરના બૅટર તરીકે કેટલો અગત્યનો છે એ અમે સારી રીતે જાણીએ છીએ. તેના જેવો વિકલ્પ કંઈ રાતોરાત ન મળી શકે. તે પૂરી ક્ષમતાથી બોલિંગ ન કરે તો પણ પ્લેઇંગ-ઇલેવનમાં તેના સમાવેશ વિશે ચર્ચાને કોઈ અવકાશ જ નથી.

૨. પાકિસ્તાન સામે મૅચ છે એટલે સ્ટેડિયમમાં માહોલ સાવ અલગ હશે, પણ ડ્રેસિંગરૂમમાં વાતાવરણ કંઈ જુદું નથી. અમે તો અન્ય સામાન્ય મૅચ જેવી જ આ મૅચ ગણીએ છીએ.

૩. અહીં યુએઈમાં તાજેતરની આઇપીએલ કરતાં આ વર્લ્ડ કપમાં વધુ સારી પિચ હશે એવી આશા રાખું છું.

૪. ખેલાડીઓને ફ્રેશ થવા માટે બાયો-બબલમાંથી સમયાંતરે બ્રેક મળવો જોએ જેથી તેઓ મનને રિફ્રેશ કરીને વધુ સારી રીતે સ્પર્ધાત્મક સ્થિતિમાં આવી શકે.

ભારતને ત્રણ કારણ નડી શકે

૧. ટી૨૦ તદ્દન અલગ પ્રકારનું ફૉર્મેટ છે એટલે એમાં કંઈ પણ અણધાર્યું પરિણામ આવી શકે. પાકિસ્તાનની મજબૂત બોલિંગ લાઇનઅપ ભારતની બૅટિંગ લાઇનઅપને નબળી પુરવાર કરી શકે. શાહીન શાહ આફ્રિદી, ઇમાદ વસીમ, હસન અલી, હૅરિસ રૉફ, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, આ બધા વિકેટ-ટેકિંગ બોલર છે.

૨. હાર્દિક પંડ્યા જો બોલિંગ નહીં કરી શકે તો ભારત પાસે બોલિંગમાં છઠ્ઠો સારો વિકલ્પ નથી. જોકે જેમ સૌરવ ગાંગુલી પોતે ક્યારેક અસરકારક બોલિંગ લેતો એમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૮ વિકેટ લઈ ચૂકેલો વિરાટ કોહલી પણ મીડિયમ પેસ બોલિંગથી પાકિસ્તાનના બૅટર્સને ચોંકાવી દે તો નવાઈ નહીં.

૩. ફખર ઝમાન બહુ સારા ફૉર્મમાં છે અને તે ગેમ-ચેન્જર બની શકે. ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ જ બૅટર ભારતને ભારે પડ્યો હતો. છેલ્લી બે વૉર્મ-અપ મૅચમાં તેણે ૪૬ અને બાવન રન બનાવ્યા હતા.

ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપની બધી મૅચોમાં હરાવ્યું છે

ટી૨૦ વર્લ્ડ કપ

૧. ૨૦૦૭માં ભારતની પાકિસ્તાન સામે ટાઇ થયા પછી બૉલ-આઉટમાં જીત

૨. ૨૦૦૭માં ફાઇનલમાં ભારતની પાકિસ્તાન સામે પાંચ રનથી જીત

૩. ૨૦૧૨માં સુપર-8માં ભારતની પાકિસ્તાન સામે ૮ વિકેટે જીત

૪. ૨૦૧૪માં સુપર-10માં ભારતની પાકિસ્તાન સામે ૭ વિકેટે જીત

૫. ૨૦૧૬માં સુપર-10માં ભારતની પાકિસ્તાન સામે ૬ વિકેટે જીત

વન-ડે વર્લ્ડ કપ

૧. ૧૯૯૨માં ભારતનો ૪૩ રનથી વિજય

૨. ૧૯૯૬માં ભારતનો ૩૯ રનથી વિજય

૩. ૧૯૯૯માં ભારતનો ૪૭ રનથી વિજય

૪. ૨૦૦૩માં ભારતનો ૬ વિકેટે વિજય

૫. ૨૦૧૧માં ભારતનો ૨૯ રનથી વિજય

૬. ૨૦૧૫માં ભારતનો ૭૬ રનથી વિજય

૭. ૨૦૧૯માં ભારતનો ૮૯ રનથી વિજય

ટી૨૦ મૅચોમાં આમને-સામને હાર-જીત

દેશ         મૅચ  જીત  હાર   ટાઇ

ભારત      ૮    ૬    ૧    ૧

પાકિસ્તાન  ૮    ૧    ૬    ૧

sports sports news cricket news india pakistan t20 world cup world t20