પાકિસ્તાન આજે ન્યુ ઝીલૅન્ડ સામે બદલો લેવાના મૂડમાં

26 October, 2021 04:08 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ પ્લેયરોએ ભારતને હરાવ્યાના ઉન્માદને કાબૂમાં રાખીને સેમી ફાઇનલને લક્ષ્ય બનાવવાની આપી સલાહ

પાકિસ્તાન ટીમ

દુબઈમાં રવિવારે ભારતને (૨૯ વર્ષમાં પહેલી વાર) વર્લ્ડ કપમાં હરાવ્યાનો આનંદ પાકિસ્તાનના પ્લેયરોમાં સમાતો નહીં હોય ત્યાં હવે એણે આજે (સાંજે ૭.૩૦થી) શારજાહમાં સેલિબ્રેશનને ટૂંકાવીને ગ્રુપ-2માં ન્યુ ઝીલૅન્ડ સામે જીતવા પર બધું ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. ખરેખર તો ન્યુ ઝીલૅન્ડે તાજેતરમાં અસલામતીનું કારણ આપીને અચાનક જ પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો એનો બદલો આજે પાકિસ્તાનના પ્લેયરો તેને હરાવીને લેવા માગે છે.

ભારતને હરાવવા ઉપરાંત ટ્રોફી જીતવા આવ્યા છીએ ઃ બાબર

‘અમે અહીં માત્ર ભારત સામે જીતવા નથી આવ્યા, અમે વર્લ્ડ કપ જીતવા આવ્યા છીએ’ એવું પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે રવિવારે દુબઈમાં મૅચ પછી કહ્યું હતું.

એના પરથી ખ્યાલ આવી જાય છે કે પાકિસ્તાનના ડ્રેસિંગરૂમમાં પહેલાં તો સેમી ફાઇનલમાં પહોંચવા માટે ગ્રુપ-2માં મોખરાનાં બે સ્થાનમાં આવવાનો પાકિસ્તાનની ટીમનો ટાર્ગેટ છે. એ સાથે પાકિસ્તાનની ટીમને ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ સલાહ આપી છે કે ‘ભારત સામેની જીતના ઉન્માદને અંકુશમાં રાખજો, કારણ કે સેમી ફાઇનલમાં પહોંચવા તમારે હજી ઘણું કરવાનું છે.’

ન્યુ ઝીલૅન્ડની ટીમ તાજેતરમાં પાકિસ્તાનના પ્રવાસેથી જતી રહી એ સાથે બાબર આઝમ ઍન્ડ કંપનીની ટી૨૦ વર્લ્ડ કપ માટેની પૂર્વતૈયારીઓ પર માઠી અસર પડી હતી. આજે પાકિસ્તાનીના પ્લેયરો ન્યુ ઝીલૅન્ડને પણ હરાવીને સેમી ફાઇનલના દાવેદાર બનવાની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લેવા મક્કમ છે.

રવિવારે પાકિસ્તાનની બોલિંગ ભારત સામે સફળ સાબિત થઈ હતી, પરંતુ બૅટિંગની સંપૂર્ણ લાઇન-અપની કસોટી નહોતી થઈ, કારણ કે ઓપનરો બાબર આઝમ (૬૮ અણનમ) અને મોહમ્મદ રિઝવાને (૭૯ અણનમ) જ ૧૫૨ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ ટીમ

પાસે હજી ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ અને શોએબ મલિક જેવા અનુભવી બૅટ્સમેનો પણ છે અને યાદ રહે કે મૅથ્યુ હેડન તેમનો બૅટિંગ-કોચ છે.

બીજી તરફ ન્યુ ઝીલૅન્ડને કૅપ્ટન કેન વિલિયમસનની કોણીની ઈજા સતાવી રહી છે. બ્લૅક કૅપ્સ તરીકે જાણીતી આ ટીમ પાસે વર્લ્ડ-ક્લાસ બોલિંગ છે, પણ બૅટિંગમાં એણે ઘણો સુધારો કરવાનો બાકી છે. આજે કિવીઓની ટીમ ભારતને હરાવીને આવી રહેલા પાકિસ્તાનના પ્લેયરોના જોશ અને જુસ્સાથી જરૂર ચેતશે.

પિચ કેવી છે?

શારજાહની પિચ સ્લો અને લો મનાય છે, પરંતુ શ્રીલંકા-બંગલા દેશ વચ્ચેની હાઈ-સ્કોરિંગ મૅચ જોતાં આ પિચ સેકન્ડ-બૅટિંગવાળી ટીમને વધુ ફાયદો કરાવશે એવું કહી શકાય.

પાક-કિવીઓનો હાર-જીતનો રેકૉર્ડ

પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે કુલ ૨૪ ટી૨૦ મૅચ રમાઈ છે જેમાંથી ૧૪માં પાકિસ્તાનની અને ૧૦માં ન્યુ ઝીલૅન્ડની જીત થઈ છે. ટી૨૦ વર્લ્ડ કપમાં પાંચમાંથી ત્રણ મુકાબલામાં પાકિસ્તાનનો અને બેમાં ન્યુ ઝીલૅન્ડનો વિજય થયો છે.

કઈ ટીમમાં કોણ?

પાકિસ્તાન : બાબર આઝમ (કૅપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હૅરિસ રૉફ, શાહીન આફ્રિદી, હૈદર અલી, સરફરાઝ એહમદ, મોહમ્મદ નવાઝ અને મોહમ્મદ વસીમ જુનિયર.

ન્યુ ઝીલૅન્ડ : કેન વિલિયમસન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટિલ, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેવોન કોન્વે, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશામ, મિચલ સૅન્ટનર, ટિમ સાઉધી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ, લૉકી ફર્ગ્યુસન, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, ટૉડ ઍસ્ટલ અને કાઇલ જૅમિસન.

sports sports news cricket news pakistan new zealand wt20 world t20