નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં જાન્યુઆરીમાં રમાનારા અન્ડર 19 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર

20 November, 2025 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો પ્રથમ મુકાબલો USA સામે, લીગમાં પાકિસ્તાન સાથે ટક્કર નહીં : ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન ૨૧ દિવસમાં ૪૧ મૅચ રમાશે

ફાઇલ તસવીર

અન્ડર 19 વર્લ્ડ કપ 2026નું શેડ્યુલ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. નામિબિયા અને ઝિમ્બાબ્વેની સયુંક્ત યજમાનીમાં રમાનારી આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ૧૫ જાન્યુઆરીએ શરૂ થશે અને ફાઇનલ ૬ ફેબ્રુઆરીએ રમાશે. ૨૧ દિવસ ચાલનારી આ મેગા ઇવેન્ટમાં કુલ ૪૧ મૅચ રમાશે.

કુલ ૧૬ ટીમને ૪-૪ ટીમ પ્રમાણે ૪ ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ભારત ગ્રુપ Aમાં USA, ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ સાથે છે. પ્રથમ દિવસે ભારતની ટક્કર USA સામે થશે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં ન હોવાથી લીગ રાઉન્ડમાં તેમની વચ્ચે કોઈ ટક્કર નહીં જોવા મળે, પણ જો બન્ને ટીમ સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ કરવામાં સફળ થશે તો જંગ જોવા મળશે. 

આ રીતે વહેંચાઈ છે ૪ ગ્રુપમાં ૧૬ ટીમ

ગ્રુપ A : બંગલાદેશ, ભારત, ન્યુ ઝીલૅન્ડ, USA
ગ્રુપ B : ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, સ્કૉટલૅન્ડ, ઝિમ્બાબ્વે
ગ્રુપ C : ઑસ્ટ્રેલિયા, આયરલૅન્ડ, જપાન, શ્રીલંકા
ગ્રુપ D : અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, તંજાનિયા, વેસ્ટ ઇન્ડીઝ

સૌથી વધુ પાંચ વાર ચૅમ્પિયન બન્યું છે ભારત

અન્ડર 19 વર્લ્ડ કપની આ સોળમી એડિશન છે. અત્યાર સુધી સૌથી વધુ પાંચ વાર; ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં ચૅમ્પિયન બની છે ભારતીય ટીમ. ઑસ્ટ્રેલિયા ૪ વાર, પાકિસ્તાન બે વાર તથા બંગલાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લ‍ૅન્ડ અને સાઉથ આફ્રિકા એક-એક વાર ચૅમ્પિયન રહી ચૂક્યા છે. ભારતીય ટીમ ૪-૪ વાર; ૨૦૦૬, ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૪માં રનર-અપ રહી હતી. છેલ્લે ૨૦૨૪માં સાઉથ આફ્રિકામાં રમાયેલા અન્ડર 19 વર્લ્ડ કપમાં ફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે ૭૯ રનથી હારી ગયું હતું. 

ભારતનું લીગ શેડ્યુલ

૧૫ જાન્યુઆરી

USA સામે

૧૭ જાન્યુઆરી

બંગલાદેશ સામે

૨૪ જાન્યુઆરી

ન્યુ ઝીલૅન્ડ સામે

 

under 19 cricket world cup namibia zimbabwe united states of america new zealand bangladesh india pakistan cricket news sports sports news