15 June, 2026 10:54 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent
ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને કૅપ્ટન હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે ૬૪ બૉલમાં ૯૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી
ઍજબેસ્ટનના મેદાન પર ગઈ કાલે પાકિસ્તાન સામે ૬૪ રનથી વિજય મેળવીને ભારતીય મહિલા ટીમે મિશન T20 વર્લ્ડ કપનો શાનદાર પ્રારંભ કર્યો હતો. ભારતે સ્મૃતિ માન્ધનાના ૬૮ રનના આધારે ૬ વિકેટ ગુમાવીને ૧૭૧ રનના ટાર્ગેટનો પડકાર આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન ૧૭ ઓવરમાં ૧૦૬ રન કરીને હારી ગયું હતું.
વિમેન્સ T20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની ૯ મૅચમાં ભારત પાસે હવે ૭ જીતની લીડ છે. પાકિસ્તાન છેલ્લે ભારતને ૨૦૧૨ અને ૨૦૧૬ની વર્લ્ડ કપ મૅચમાં હરાવી શક્યું હતું.
ભારતીય મહિલા ટીમે પહેલાં બૅટિંગ કરીને પ્રથમ ૧૦ ઓવરમાં બે વિકેટે ૬૫ રન અને છેલ્લી ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૦૫ રન કરીને પોતાનો વિમેન્સ T20 વર્લ્ડ કપનો ૧૭૦ રનનો ત્રીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ત્રીજી વિકેટ માટે સ્મૃતિ માન્ધના અને હરમનપ્રીત કૌરે ૬૪ બૉલમાં ૯૧ રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ માન્ધનાએ ૪૪ બૉલમાં ૯ ફોર અને બે સિક્સની મદદથી ૬૮ રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૩૫ બૉલમાં ૪ ફોરના આધારે ૩૬ રન કર્યા હતા.
વિકેટકીપર-બૅટર રિચા ઘોષે ૧૭ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સના આધારે ૩૪ રન ઝૂડી નાખ્યા હતા. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે છઠ્ઠા કે એથી નીચેના ક્રમે તે સૌથી મોટો સ્કોર કરનાર બૅટર બની હતી. તેની તોફાની બૅટિંગને કારણે ભારતે ૧૯મી ઓવરમાં ૨૩ રન કર્યા હતા. પાકિસ્તાન માટે સ્પિનર્સ સાદિયા ઇકબાલ અને ફાસ્ટ બોલર ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી હતી.
રન-ચેઝ વખતે પાકિસ્તાનની ઓપનર મુનીબા અલીએ ૩૫ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૧ રન ફટકારીને સારી શરૂઆત અપાવી હતી. પાકિસ્તાને પોતાનો વર્લ્ડ કપનો હમણાં સુધીનો સૌથી મોટો ૧ વિકેટે બાવન રનનો પાવરપ્લે-સ્કોર પણ કર્યો હતો.
જોકે ભારતીય બોલિંગ-યુનિટે મહત્ત્વપૂર્ણ સમયે વિકેટો લઈને વાપસી કરાવી હતી. ભારત માટે સ્પિનર દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં માત્ર ૧૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. સ્પિનર શ્રી ચરણીને બે વિકેટ અને શફાલી વર્માને એક વિકેટ મળી હતી. સ્મૃતિ માન્ધના અને શ્રેયન્કા પાટીલના ફ્લાઇંગ કૅચે અને હરમનપ્રીત કૌર તથા જેમિમા રૉડ્રિગ્સે શાનદાર ફીલ્ડિંગે મહેફિલને લૂંટી લીધી હતી.
ભારતીય ઓપનર શફાલી વર્મા વિમેન્સ T20 વર્લ્ડ કપની મૅચમાં પહેલા બૉલ પર સિક્સર ફટકારનાર પહેલી બૅટર બની છે. તેણે અનુભવી સ્પિનર સાદિયા ઇકબાલ સામે આ કમાલ કરી હતી. જોકે ઓવરના પાંચમા બૉલમાં શફાલી વર્મા ૬ રન કરીને કૅચઆઉટ થઈ હતી.
વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઝુલન ગોસ્વામી બાદ આટલી વિકેટ લેનાર વિશ્વની બીજી બોલર બની દીપ્તિ શર્મા. આવું કરનાર તે પહેલી સ્પિનર પણ બની.
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે આટલી વખત ફિફ્ટી ફટકારવાના મામલે સ્મૃતિ માન્ધનાએ હરમનપ્રીત કૌર અને મિતાલી રાજની બરાબરી કરી.