ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની હારને કારણે વેસ્ટ ઇન્ડીઝને સેમી-ફાઇનલની ટિકિટ મળી

29 June, 2026 11:25 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કરો યા મરો મૅચમાં કિવીઓ ૧૬૪ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ ગયા, યજમાન અંગ્રેજ ટીમ નવ વિકેટથી જીત સાથે ગ્રુપ-સ્ટેજમાં અજેય રહી

ન્યુ ઝીલૅન્ડ માટે છેલ્લી વખત રમનાર સુઝી બૅટ્સ, લી તાહુહૂ અને સોફી ડિવાઇનને લંડનમાં બન્ને ટીમ તરફથી મળ્યું ગાર્ડ ઑફ ઓનર.

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ Bમાંથી ઇંગ્લૅન્ડ બાદ વેસ્ટ ઇન્ડીઝને સેમી-ફાઇનલની ટિકિટ મળી છે. આયરલૅન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની હારને કારણે ન્યુ ઝીલૅન્ડ પાસે અંતિમ મૅચમાં સારા નેટ રન-રેટ સાથે જીત મેળવી મોટો ઊલટફેર કરવાની તક હતી. જોકે ઇંગ્લૅન્ડ સામેની ૯ વિકેટની હારને કારણે કૅરિબિયન ટીમ ૬ પૉઇન્ટ અને સારા નેટ રન-રેટ સાથે આગળ વધ્યું હતું. 
કરો યા મરો મૅચમાં કિવીઓએ ૬ વિકેટે ૧૬૩ રન કર્યા હતા. જવાબમાં અંગ્રેજ ટીમે ૧૭.૨ ઓવરમાં ૧ વિકેટના નુકસાન સાથે ૧૬૪ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. યજમાન અંગ્રેજ ટીમને પોતાની પાંચેય મૅચમાં જીત મળી હતી.

ઓપનિંગમાં ઊતરીને કિવી ટીમની કૅપ્ટન મેલી કેરે ૩૪ બૉલમાં ૬ ફોરની મદદથી ૪૨ રન કર્યા હતા. ભૂતપૂર્વ કૅપ્ટન સોફી ડિવાઇને ૧૪ બૉલમાં ૧ ફોર અને ત્રણ સિક્સના આધારે ૩૦ રન કર્યા હતા. યજમાન ટીમની ફાસ્ટ બોલર ડેનિયલ ગિબ્સને ૩ ઓવરમાં ૩૦ રન આપીને બે વિકેટ મળી હતી.

ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વાયટ-હૉજે ૫૩ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સની મદદથી અણનમ ૮૯ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. સોફિયા ડંકલીએ ૩૮ બૉલમાં ૯ ફોરને આધારે અણનમ ૪૯ રન ફટકાર્યા હતા. કિવી ટીમ તરફથી ભરૂચમાં જન્મેલી સ્પિનર નેન્સી પટેલે ૩ ઓવરમાં બાવીસ રન આપીને એક વિકેટ લીધી હતી. 

21,018
કેનિંગ્ટન ઓવલમાં આટલી હાજરી નોંધાઈ આ મૅચ દરમ્યાન. વિમેન્સ T20 વર્લ્ડ કપની ગ્રુપ-સ્ટેજ મૅચ દરમ્યાન સૌથી વધુ ભીડનો રેકૉર્ડ બન્યો.

282
એક વિમેન્સ T20 વર્લ્ડ કપ આવૃત્તિમાં સૌથી વધુ આટલા રન કરનાર બૅટર બની ડૅની વાયટ-હૉજ. ૨૦૨૦નો બેથ મૂનીનો ૨૫૯ રનનો રેકૉર્ડ તોડ્યો. 

international cricket council womens world cup world cup new zealand west indies england cricket news sports sports news