14 February, 2026 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન રાધા યાદવ સાથે UAEની કૅપ્ટન એશા ઓઝા.
થાઇલૅન્ડમાં ગઈ કાલે શરૂ થયેલી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં બપોરની મૅચમાં મોટો અપસેટ સર્જાયો હતો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે ઇન્ડિયા Aને ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અનુષ્કા શર્માના ૪૭ રન અને તનુજા કંવરના ૩૪ રનના આધારે ૯ વિકેટે ૧૩૦ રન કર્યા હતા. UAEની કૅપ્ટન એશા ઓઝાએ ૭૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને ૧૯.૨ ઓવરમાં ટીમને ૧૩૧ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. ભારતીય સ્પિનર તનુજા કંવર, પ્રેમા રાવત અને કૅપ્ટન રાધા યાદવને ૧-૧ વિકેટ મળી હતી.
મુંબઈમાં જન્મેલી ૨૮ વર્ષની એશા ઓઝાએ ૬૧ બૉલમાં ૮ ફોર અને બે સિક્સ ફટકારીને ૭૨ રન કર્યા હતા. સ્પિનર તરીકે તેણે ૪ ઓવરમાં ૩૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ સામે યાદગાર જીત અને શાનદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી.
હવે ૧૫ ફેબ્રુઆરીએ UAE નેપાલનો સામનો કરશે, જ્યારે ઇન્ડિયા A ટીમ એ દિવસે પાકિસ્તાનનો સામનો કરશે.
પાકિસ્તાનની ટીમે કરી વિજયી શરૂઆત
ટુર્નામેન્ટની પહેલી જ મૅચમાં પાકિસ્તાને નેપાલ સામે ૩૦ રને જીત નોંધાવી પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. કૅપ્ટન હફસા ખાલિદની ૩૯ બૉલમાં ૪૦ રનની ઇનિંગ્સના આધારે પાકિસ્તાન A ટીમે ૧૩૭/૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં નેપાલની મહિલા ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૦૭ રન જ કરી શકી હતી.