✕

કોઈ એક બૅટરનો પણ સાથ મળ્યો હોત તો પાકિસ્તાન સામે મૅચ જિતાડી આપી હોત : કૅપ્ટન તિલક વર્મા

24 November, 2026 02:36 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં રવિવારે પાકિસ્તાન સામે લીગ-સ્ટૅજની મૅચમાં ભારતીય ટીમને ૪૮ રને મળી હાર.

કૅપ્ટન તિલક વર્મા

વન-ડે મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં રવિવારે ઇન્ડિયા A ટીમને પાકિસ્તાન A સામે ૪૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને આપેલા ૩૧૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૪૯.૧ ઓવરમાં ૨૬૫ રને ઑલઆઉટ થઈ હતી. અભિષેક શર્માના ૭૦ રન, તિલક વર્માના ૧૦૦ રન અને શાહબાઝ અહમદના ૫૬ રન એળે ગયા હતા. કૅપ્ટન તિલક વર્માએ ૧૪૮ બૉલમાં ૭ ફોર, ૧ સિક્સની મદદથી ૧૦૦ રન પૂરા કર્યા હતા. તિલક વર્મા કહે છે, ‘પાકિસ્તાની બોલર્સે ખૂબ જ સચોટ લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરી. જો બીજો કોઈ બૅટ્સમૅન મારી સાથે ટકી રહ્યો હોત તો હું મૅચ પૂરી કરી શક્યો હોત.’

ભારત-પાકિસ્તાનના પ્લેયર્સ વચ્ચેનો નો-હૅન્ડશેકનો વિષય અમારા નિયંત્રણની બહાર છે : MCC

પહલગામ હુમલા પછીથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામેની મૅચમાં ભારતીય પ્લેયર્સ હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે. રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ દરમ્યાન રવિવારની ભારત અને પાકિસ્તાનની મૅચમાં પણ આ ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. ભારતની આ નો-હૅન્ડશેક પૉલિસી પર ક્રિકેટના નિયમોનું સંચાલન કરતી સંસ્થા મૅરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ મોટું નિવેદન આપ્યું છે.

MCCના અધિકારીઓએ કહ્યું કે ‘જો સરકારે પ્લેયર્સને હાથ ન મિલવવા માટે નિર્દેશ કર્યો હોય તો એના પર અમે નિયંત્રણ રાખી શકતા નથી. અમે એના પર કમેન્ટ કરી શકતા નથી. અમે પ્લેયર્સ વચ્ચે મૅચ દરમ્યાન આદર, અમ્પાયર્સના નિર્ણયોનો આદર અને રમત પ્રત્યેનો આદર થઈ રહ્યો છે કે નહીં એના પર ધ્યાન આપીએ છીએ. બસ આટલી જ બાબતો પર અમારું નિયંત્રણ હોઈ શકે છે.’

સેમી-ફાઇનલની અંતિમ ટીમ આજે નક્કી થશે

કતરના દોહામાં આયોજિત વન-ડે મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટની અંતિમ લીગ-સ્ટેજ મૅચો આજે રમાશે. સવારે ૧૧.૩૦ વાગ્યાથી ભારત-UAE અને બપોરે ૩.૩૦ વાગ્યાથી પાકિસ્તાન-નેપાલની મૅચ રમાશે.

પ્રથમ બન્ને મૅચ જીતીને ગ્રુપ Aમાંથી શ્રીલંકા અને બંગલાદેશે જ્યારે ગ્રુપ Bમાંથી પાકિસ્તાને સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. અંતિમ ટીમ આજની મૅચોના રિઝલ્ટ પરથી નક્કી થશે.

+૨.૫૮૦નો નેટ રન-રેટ ધરાવતી ભારતીય ટીમ આ રેસમાં સૌથી આગળ છે. ૧ મૅચ જીતનાર નેપાલ -૨.૪૬૧નો નેટ રન-રેટ ધરાવે છે. બન્ને મૅચ હારનાર UAEની ટીમ -૨.૦૬૧ના નેટ રન-રેટ સાથે ચોથા ક્રમે છે.

india pakistan asia cup tilak varma abhishek sharma team india indian cricket team cricket news sports news sports doha