23 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આઘા
ભારત સરકારે રમતગમતની ઇવેન્ટ્સમાં પાકિસ્તાન સાથેના વ્યવહાર વિશેની પોતાની નીતિ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઑફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મલ્ટિનેશન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના પ્લેયર્સ અને ટીમની હાજરી છતાં ભારતીય ઍથ્લીટ અને ટીમો ભાગ લઈ શકશે. આ જાહેરાતથી એ સ્પષ્ટ થયું છે કે આગામી T20 એશિયા કપમાં ૧૪ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મૅચ રમતાં ભારતીય ટીમને ભારત સરકાર રોકશે નહીં.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી એકબીજાના દેશમાં દ્વિપક્ષીય રમતગમત કાર્યક્રમનો સંબંધ છે ત્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમાતી સ્પર્ધાઓમાં ભાગ નહીં લે કે પાકિસ્તાનની ટીમને ભારતમાં રમવાની મંજૂરી નહીં મળે. એની સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાકિસ્તાનના ખેલાડીઓ અને ટીમ ભારત દ્વારા આયોજિત આવા મલ્ટિનેશન કાર્યક્રમમાં ભાગ લઈ શકશે, પણ ભારતીય ટીમ પાકિસ્તાનમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ટાળશે.
આશા છે કે મારા જીવનકાળમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ-સિરીઝ જોઈ શકું : વસીમ અકરમ
આતંકવાદીઓને શરણ આપતા પાકિસ્તાન સાથે ભારત ૨૦૦૭-’૦૮થી ટેસ્ટ અને ૨૦૧૨-’૧૩થી વાઇટ બૉલ દ્વિપક્ષીય સિરીઝ રમ્યું નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે બન્ને દેશ વચ્ચેની આ સંઘર્ષની સ્થિતિ અને ક્રિકેટ-સિરીઝ વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મને આશા છે કે મારા જીવનકાળમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ-સિરીઝ જોઈ શકું. એશિયા કપનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે એના પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે, પરંતુ અમે પાકિસ્તાનમાં શાંત છીએ. ભલે આપણે રમીએ કે ન રમીએ, અમને કોઈ સમસ્યા નહીં હોય. રમત ચાલુ રહેવી જોઈએ.’