22 June, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ
ભારતની વન-ડે ટીમ આવતા મહિને ઇંગ્લૅન્ડમાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. ૧૪, ૧૬ અને ૧૯ જુલાઈએ રમાનારી આ વન-ડે મૅચો માટે ગઈ કાલે ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ બાદ આ ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, સ્પિનર ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને સ્ટાર બૅટર વિરાટ કોહલીની વાપસી થઈ છે.
જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચ અને વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. વર્કલોડને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને ઇંગ્લૅન્ડ વન-ડે સિરીઝ પહેલાંની બે T20 સિરીઝમાં પણ બ્રેક આપવામાં આવ્યો છે. અક્ષર પટેલના સ્થાને યંગ સ્પિનર હર્ષ દુબેને અજમાવવામાં આવ્યો હતો.
હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે અફઘાન સામે ન રમનાર વિરાટ કોહલી હાલમાં એક ઇવેન્ટ માટે ભારત આવ્યો છે અને તેને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાને આધીન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સીમ-બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હજી સુધી ટીમમાં પાછો ફર્યો નથી. કમર અને પીઠની સમસ્યામાંથી હજી સુધી તે ફિટ થઈ શક્યો નથી. તેણે આ સમસ્યાને કારણે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ પણ ગુમાવી હતી.
ભારતની વન-ડે સ્ક્વૉડ : શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કે.એલ. રાહુલ, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાડ.
અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં ભારતીય સ્ક્વૉડમાં સામેલ ખેલાડીઓમાંથી યશસ્વી જાયસવાલ, હર્ષ દુબે, પ્રિન્સ યાદવ પોતાનું સ્થાન જાળવી શક્યા નથી. ઓપનર યશસ્વી જાયસવાલે શનિવારે પોતાની છઠ્ઠી વન-ડે મૅચમાં જ બીજી વન-ડે સદી નોંધાવીને ભારતને પોતાનો સૌથી ઝડપી ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ૧૨૮ બૉલ બાકી રહેતાં ચેઝ કરવામાં મદદ કરી હતી.
IPL 2026માં ડાબા પગમાં થયેલી ઇન્જરી બાદ મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી BCCIના સેન્ટર ઑફ એક્સલેન્સ ખાતે તેના રીહૅબના અંતિમ તબક્કામાં છે. તે આયરલૅન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સાથે હજી કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ નથી.