ઝિમ્બાબ્વેને કચડીને બે વર્ષે T20માં ક્લીન સ્વીપ નોંધાવી ટીમ ઇન્ડિયાએ

27 July, 2026 03:36 PM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

ત્રીજી મૅચમાં ભારતના ૧૯૨/૫ના સ્કોર સામે ૭ વિકેટે ૧૫૭ રન કરીને ૩૫ રને હાર્યું ઝિમ્બાબ્વે : સિરીઝ ૩-૦થી જીત્યું ભારત : વૈભવ સૂર્યવંશી બન્યો પ્લેયર આૅફ ધ સિરીઝ

ભારત vs ઝિમ્બાબ્વે

હરારેમાં ઝિમ્બાબ્વે સામે લાગલગાટ ત્રીજી T20 મૅચ જીતીને ભારતે બે વર્ષે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ નોંધાવી છે. છેલ્લે ભારતે ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશ સામે ૩-૦થી સિરીઝ જીતી હતી. ત્યારથી ઝિમ્બાબ્વે ટૂર પહેલાં ભારત ૭ સિરીઝમાંથી પાંચ સિરીઝમાં જીત્યું પણ ક્લીન સ્વીપ કરી શક્યું નહોતું. ઝિમ્બાબ્વે સામે ભારતે ૨૦૧૦માં પહેલી સિરીઝમાં જ ૨-૦થી ક્લીન સ્વીપ કરી હતી. 
ત્રીજી મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરીને પાંચ વિકેટે ૧૯૨ રન કર્યા હતા. ૧૯૩ રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વે ૭ વિકેટે ૧૫૭ રન કરીને ૩૫ રને હાર્યું હતું. પ્લેયર ઑફ ધ મૅચની સાથે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ વૈભવ સૂર્યવંશીને નામે થયો હતો. તેણે આખી સિરીઝની ત્રણ મૅચમાં ૧૫ ફોર અને ૯ સિક્સને આધારે ૧૫૧ કર્યા હતા.
ઓપનર વૈભવ સૂર્યવંશી ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૯ બૉલમાં ૮૧ રન કરીને કૅચ આઉટ થયો હતો. ઈશાન કિશને ૨૬ બૉલમાં ૨૯ રન અને કૅપ્ટન શ્રેયસ ઐયરે ૧૮ બૉલમાં ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહે ૧૪ બૉલમાં ૨૫ રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રૅડ ઇવાન્સે સૌથી વધુ ૪૧ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. 
આ સિરીઝમાં બીજી વખત ઇનિંગ્સની પહેલા બૉલે વિકેટ લેનાર મયંક યાદવે ૨૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. યશ ઠાકુરને બે વિકેટ જ્યારે અશોક શર્મા અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.

૧૬ વર્ષની ઉંમર પહેલાં જ મેન્સ ઇન્ટરનૅશનલમાં બે ફિફ્ટી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો વૈભવ

ટીમ ઇન્ડિયાના ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે ૪૯ બોલમાં ૮૧ રન બનાવ્યા, જે તેની ઇન્ટરનૅશનલ કરીઅરનો સર્વોચ્ચ સ્કોર હતો. પહેલી મૅચમાં તેણે ૧૯ બૉલમાં ૫૦ રન કર્યા હતા. 
વૈભવ સૂર્યવંશી ૧૬ વર્ષની ઉંમર પહેલાં મેન્સ ઇન્ટરનૅશનલમાં બે ફિફ્ટી પ્લસનો સ્કોર કરનાર પહેલો ખેલાડી બન્યો છે.
વૈભવ સૂર્યવંશી ૨૦૨૬માં સૌથી વધુ ૮૬ T20 સિક્સ ફટકારનાર ભારતીય છે. આ લિસ્ટમાં તેના પહેલાં બે સ્થાને સાથી ઓપનર અભિષેક શર્મા છે. અભિષેક શર્માએ ૨૦૨૫માં ૧૦૮ T20 સિક્સ અને ૨૦૨૪માં ૮૭ T20 સિક્સ ફટકારી હતી.

પ્લેયર ઑફ ધ મૅચની સાથે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીત્યો વૈભવ સૂર્યવંશી.

T20 ટીમ-રૅન્કિંગમાં નંબર વનના સ્થાને વાપસી કરી ભારતીય ટીમે

ભારતીય T20 ટીમે જીતના ટ્રૅક પર વાપસી કરીને ફરી પોતાનું સર્વોચ્ચ ICC રૅન્કિંગ મેળવી લીધું છે. બારમા ક્રમની ટીમ ઝિમ્બાબ્વે સામે સતત બે મૅચ જીતીને ભારતીય ટીમે T20 ટીમ-રૅન્કિંગમાં નંબર વનના સ્થાને વાપસી કરી છે. 
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં હારને કારણે ભારતે ICC T20 ટીમ-રૅન્કિંગમાં ૧૬૦૫ દિવસથી યથાવત્ રહેલો નંબર વનનો તાજ ગુમાવી દીધો હતો. હાલમાં ભારત પહેલા ક્રમે છે. ઇંગ્લૅન્ડની ટીમ બીજા ક્રમે સરકી ગઈ છે. 

 

sports sports news cricket news cricket vaibhav sooryavanshi news