આજે ક્રિકેટ બોર્ડની ગૌતમ ગંભીર,અજિત આગરકર અને વીવીએસ લક્ષ્મણ સાથે મહત્ત્વપૂર્ણ મીટિંગ

03 September, 2026 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમનો આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડમાં પરાજય, ખેલાડીઓની વારંવારની ઈજાઓ, IPL દરમ્યાન વર્ક-લોર્ડ તેમ જ આગામી વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓના ભાવિ અંગે ચર્ચા થઈ શકે છે

ગૌતમ ગંભીર,અજિત આગરકર અને વીવીએસ લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના પર્ફોર્મન્સ અને અન્ય મુદ્દાઓ અંગે ક્રિકેટ બોર્ડ, હેડ કોચ ગૌતમ ગંભીર અને ‌ચીફ સિલેક્ટર અજિત આગરકરની મીટિંગ આજે મુંબઈમાં યોજાઈ રહી છે. આ મીટિંગમાં ટીમને પરેશાન કરી રહેલી ખેલાડીઓની ઈજાઓ અંગે પણ ચર્ચા થવાની હોવાથી બૅન્ગલોર સ્થિતી સેન્ટર ઑફ એક્સલન્સના ચીફ વીવીએસ લક્ષ્મણને આ મીટિંગ માટે બોલાવવામાં આવ્યો છે. 
આ ત્રણેય દિગ્ગજો સાથે આજે બોર્ડના અધિકારીઓ ભારતીય ટીમના છેલ્લા થોડાક મહિનાના પર્ફોર્મન્સ વિશે, ખાસ કરીને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પરાજય વિશે ચર્ચા કરશે અને ભવિષ્યની યોજનાઓ વિશે વિચારણા થશે. આ ઉપરાંત ખેલાડીઓની ફિટનેસ, ઇજાઓ બાદ ખેલાડીઓના કમબૅકનું મૉનિટરિંગ તેમ જ IPLના વર્ક-લોડ બાબતે પણ ચર્ચા થશે. અહેવાલો પ્રમાણે ગંભીર અને આગરકર અમુક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની સંપૂર્ણ ફિટનેસ વિશે સ્પષ્ટતા મેળવવા માગે છે જેથી તેઓ ભવિષ્યના પ્લાન અંગે એ પ્રમાણે આગળ વધી શકે. તેઓ આ ખેલાડીઓ કેટલા સમયમાં ફરી મેદાનમાં ઊતરવા માટે તૈયાર થઈ જશે એ વિશે સેન્ટર ઑફ એક્સલન્સ પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે.

રોહિત શર્માની મૂંઝવણ

આગામી વર્લ્ડ કપના રોડમૅપમાં ત્રણ દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. વિરાટ અને જાડેજાનું આ વર્લ્ડ કપમાં રમવું ઑલમોસ્ટ કન્ફર્મ માનવામાં આવે છે, પણ ફિટનેસને લીધે રોહિત શર્મા અંગે અમુકને શંકા છે. જોકે રોહિતે ઇંગ્લૅન્ડમાં લૉર્ડ્‍સમાં સેન્ચુરી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા છે.

આગરકરનું ભવિષ્ય નક્કી થશે

ચીફ સિલેક્ટર અજિત આગરકરનો કૉન્ટ્રૅક્ટ ચોથી ઑક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે. રોહિત-વિરાટને લઈને વિવાદ તથા છેલ્લી કેટલીક સિરીઝમાં ટીમના પરાજય બાદ આગરકરની વિદાય અંગે ચર્ચા થવા લાગી હતી, પણ અહેવાલો પ્રમાણે ક્રિકેટ બોર્ડ ૨૦૨૭માં સાઉથ આફ્રિકામાં યોજાનારા વર્લ્ડ કપ સુધી આગરકર અને ગંભીરના કૉમ્બિનૅશનને તોડવા નથી માગતું અને તેઓ બન્ને એક જ દિશામાં વિચારે અને કામ કરે એ માટે આ મીટિંગમાં વિસ્તારપૂર્વક વિચારણા થશે.

gautam gambhir ajit agarkar vvs laxman team india indian cricket team world cup cricket news sports news sports