✕

પાકિસ્તાનને હરાવીને ભારતે એશિયન ગેમ્સ ક્રિકેટમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો

04 October, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૧ રન કર્યા, પાકિસ્તાન ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૨ રન કરી શક્યું : અભિષેક શર્મા અને તિલક વર્માની બૅટિંગ બની ગેમચેન્જર

ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ.

ગઈ કાલે એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટમાં ભારતે પાકિસ્તાનને ૧૯ રનથી હરાવીને સતત બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ૨૦૨૩ની એશિયન ગેમ્સમાં પણ ભારતે મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગઈ કાલે ભારતે પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૧ રન કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૨ રન કરી શક્યું હતું.

ભારત વતી અભિષેક શર્માએ તોફાની બૅટિંગ કરી હતી, તેણે ૨૮ બૉલમાં ૩ ફોર અને ૭ સિક્સની મદદથી ૬૧ રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશી ૯ બૉલમાં ૧૫ રન કરીને અને સંજુ સૅમસન ૪ બૉલમાં માત્ર બે રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર (૨૪ બૉલમાં ૨૧), ઈશાન કિશન (૧૮ બૉલમાં ૨૦) અને શિવમ દુબે (૧૫ બૉલમાં ૨૭)ના નાનકડાં યોગદાન રહ્યાં હતાં; પણ છઠ્ઠા ક્રમે રમવા આવેલા તિલક વર્માની ઇનિંગ્સ ગેમચેન્જર બની હતી. તેણે ૩ ફોર અને ૪ સિક્સની મદદથી માત્ર બાવીસ બૉલમાં કરેલા ૫૧ રનની મદદથી ભારતે તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો.

પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને એણે ૩૯ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન વતી એકમાત્ર પ્રતિકાર હસન નવાઝ તરફથી આવ્યો હતો જેણે ૫૧ બૉલમાં પાંચ ફોર અને ૭ સિક્સની મદદથી ૯૬ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલો હસન નવાઝ વીસમી ઓવરના છેલ્લા બૉલે આઉટ થયો હતો.

બોલિંગમાં અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર ઝળક્યા હતા. તેમણે બન્નેએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને બે-બે વિકેટ લીધી હતી. શિવમ દુબેએ ૩ ઓવરમાં ૩૩ રન આપીને બે વિકેટ લીધી હતી.

asian games pakistan indian cricket team sports news sports cricket news