16 September, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહસિન નકવીનો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકેનો કાર્યકાળ આવતા વર્ષે ત્રણ એપ્રિલે સમાપ્ત થાય છે
પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતની મેન્સ ક્રિકેટ ટીમની જેમ વિમેન્સ ટીમે પણ પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારી નહોતી. જાહેરમાં બેઇજ્જત થયેલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી આ વખતે પણ મેદાન છોડતા સમયે ટ્રોફી સાથે લઈ ગયા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડેના નિદેર્શોનું પાલન કરીને ભારતીય વિમેન્સ ટીમ ટ્રોફી લેવા સ્ટેજ પર ગઈ નહોતી. સચિવ દેવજિત સૈકિયાએ ખુલાસો કર્યો હતો કે ‘ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં એવું મોહસિન નકવીને પહેલાંથી જ કહી દેવામાં આવ્યું હતું.’
ભારતીય મેન્સ ટીમને હજુ સુધી એશિયા કપની ટ્રોફી મળી નથી જે ત્યારથી એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઑફિસમાં જ પડી છે. ભારતને આ બન્ને ટ્રોફી એપ્રિલ ૨૦૨૭ પછી મળી શકે છે. કારણ કે મોહસિન નકવીનો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકેનો કાર્યકાળ આવતા વર્ષે ત્રણ એપ્રિલે સમાપ્ત થાય છે.
પ્રમુખના કાર્યકાળને માત્ર સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય દ્વારા જ લંબાવી શકાય છે. વિવાદોને કારણે મોહસિન નકવીનો કાર્યકાળ લંબાય એની શક્યતા ઓછી છે. તેમના પદ પરથી હટ્યા પછી ભારતને આ બન્ને ટ્રોફી પાછી મળશે. એવી શક્યતા છે કે આગામી પ્રમુખ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાંથી હોઈ શકે છે, જેનો કાર્યકાળ ૨૦૨૯ના મધ્ય સુધી ચાલવાની અપેક્ષા છે.