06 November, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન હરમનપ્રીત કૌરના બાવડા પર વર્લ્ડ કપની ટ્રોફીનું ટૅટૂ
કૅપ્ટન હરમનપ્રીત કૌરે રવિવારે કરીઅરની સૌથી મોટી ઉપલબ્ધિ વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને મેળવી હતી. આ યાદગાર અચીવમેન્ટને તેણે હવે તેના શરીર પર સ્થાન આપીને સદાય માટે યાદગાર કરી દીધી છે. હરમનપ્રીતે વર્લ્ડ કપનની ટ્રોફીનું ટૅટૂ તેના ડાબા હાથના બાવડા પર કોતરાવ્યું છે અને એનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ભારત ફાઇનલમાં બાવન રનથી સાઉથ આફ્રિકાને હરાવીને વિમેન્સ વર્લ્ડ કપની ૨૦૨૫ની ઍડિશનમાં ચૅમ્પિયન બન્યું હોવાથી આ ટૅટૂ સાથે ૨૦૨૫ અને બાવનનો આંકડો પણ તેણે લખ્યો છે.
આ ટૅટૂના ફોટો સાથે તેણે કૅપ્શન આપી છે કે ‘પ્રથમ દિવસથી તારી રાહ જોતી હતી, અને હવે તને રોજ સવારે જોઈશ અને તારી આભારી રહીશ.’
હરમનપ્રીત વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ટૅટૂ માટે જાણીતા ઍલિયન્સ ટૅટૂઝમાં પહોંચી ગઈ હતી. ક્રિકેટરો વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા તેમ જ તિલક શર્માના શરીર પર જોવા મળતાં મોટા ભાગનાં ટૅટૂઝ ઍલિયન્સ ટૅટૂઝમાં બનાવ્યાં છે. એનો ફાઉન્ડર અને CEO સની ભાનુશાલી છે.
દિલની વાતો ભગવાને સાંભળી લીધી
મંગળવારે ક્રિકેટ બોર્ડે કૅપ્ટન હરમનપ્રીતનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે તેની લાગણી વ્યક્ત કરતાં કહી રહી હતી કે ‘મારા માટે ખૂબ જ ભાવુક કરી નાખતી પળો છે. જેમ કે હું પહેલાં પણ કહી ચૂકી છું કે બાળપણથી મારું આ સપનું હતું. જ્યારથી ટીવી જોવાનું અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારથી મારું સપનું હતું કે વર્લ્ડ કપ જીતવો છે. જો હું કૅપ્ટન હોઈશ તો એ મોકો ચૂકીશ નહીં. લાગે છે કે આ બધુ હું દિલથી બોલી હતી અને ભગવાને એક-એક કરીને બધું સાંભળી લીધું. આ કોઈ જાદુ જેવું લાગે છે. સમજાતું નથી કે તબક્કાવાર બધું કેવી રીતે થઈ રહ્યું છે. બધું એક પછી એક થતું રહ્યું અને આજે અમે વર્લ્ડ ચૅમ્પિયન બની ગયાં છીએ.’