02 October, 2026 07:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2027
મેન્સ વન-ડે વર્લ્ડ કપની ૧૪મી આવૃત્તિના એક વર્ષ પહેલાં શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. ગઈ કાલે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં બ્રાયન લારા, ઍરોન ફિન્ચ અને શૉન પૉલૉક જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોની હાજરીમાં ૧૪ ટીમો માટેના ૫૭ મૅચના વર્લ્ડ કપ શેડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી.
૨૦૨૭ની બે ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમ્યાન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આ વર્લ્ડ કપમાં રમાશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન, કવૉલિફાયર A તથા ગ્રુપ Bમાં બંગલાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યુ ઝીલૅન્ડ, કવૉલિફાયર B છે.
૨૦૨૬ની ૩૦ સપ્ટેમ્બરની કટ-ઑફ તારીખે ICC રૅન્કિંગની ટૉચની ૧૦ ટીમોને બે ગ્રુપમાં પહેલાંથી સામેલ કરી દેવામાં આવી છે. બન્ને ગ્રુપની બાકીની એક-એક ટીમ ક્વૉલિફાયર દ્વારા નક્કી થશે. ક્રિકેટ વર્લ્ડ કપ ક્વૉલિફાયર દ્વારા અન્ય ૪ ટીમો નક્કી થશે અને એ ક્વૉલિફાયરની ટૉચની ટીમ સીધી ગ્રુપ-સ્ટેજમાં પ્રવેશ કરશે. અન્ય ત્રણ ટીમો ગ્રુપ-સ્ટેજમાં સ્થાન મેળવવા માટે ‘સુપર સિરીઝ’માં સ્પર્ધા કરશે.
આ ટુર્નામેન્ટની શરૂઆત બે ઑક્ટોબરે વિન્ડહોક ખાતે ત્રણ ટીમોની ‘સુપર સિરીઝ’ સાથે થશે, જે ગ્રુપ-સ્ટેજની અંતિમ ટીમ નક્કી કરશે. ગ્રુપ-સ્ટેજની શરૂઆત ૭ ઓક્ટોબરે કેપ ટાઉનમાં થશે, જેમાં ૨૦૨૩ની ફાઇનલનું પુનરાવર્તન જોવા મળશે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સામે થશે.
દરેક ગ્રુપની ટૉચની ત્રણ ટીમો ‘સુપર 7’ તબક્કામાં આગળ વધશે અને બન્ને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારું પ્રદર્શન કરનાર ટીમ સાતમું સ્થાન મેળવશે. ૨૫ઑક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમ્યાન સુપર ૭ તબક્કા પછી ૧૭ નવેમ્બરે કેપ ટાઉન અને ૧૮ નવેમ્બરે ત્શવાનેમાં સેમી-ફાઇનલ રમાશે. ૨૧ નવેમ્બરે જોહનિસબર્ગમાં ફાઇનલ મુકાબલો થશે.
મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2027 ભારતનું ગ્રુપ-સ્ટેજ શેડ્યુલ
તારીખ મૅચવેન્યુ
૦૭ ઑક્ટોબર ભારત vs ઑસ્ટ્રેલિયા કેપ ટાઉન
૧૦ ઑક્ટોબર ભારત vs પાકિસ્તાનજોહનિસબર્ગ
૧૪ ઑક્ટોબર ભારત vs અફઘાનિસ્તાનત્શવાને
૧૭ ઑક્ટોબર ભારત vs ક્વૉલિફાયર A બ્લોમફોન્ટેન
૨૪ ઑક્ટોબર ભારત vs ઝિમ્બાબ્વે વિક્ટોરિયા ફૉલ
(નોંધ : આ તમામ મૅચ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે)