ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા રવાના, મોટી સંખ્યામાં ચાહકો ઊમટ્યા

16 October, 2025 10:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલ વન-ડે સિરીઝ માટે સામેલ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા રવાના થયા છે : ફક્ત T20 સિરીઝ માટે પસંદ થયેલા ખેલાડીઓ એક અઠવાડિયા બાદ ઑસ્ટ્રેલિયા જશે

બસમાં વિરાટ કોહલીને ખુશી-ખુશી હાથ મિલાવતો ભારતીય કૅપ્ટન શુભમન ગિલ

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝની સમા​પ્તિના ૨૪ કલાકની અંદર જ ભારતીય ટીમ ત્રણ વન-ડે અને પાંચ T20 મૅચની સિરીઝ માટે ગઈ કાલે બે પાર્ટમાં દિલ્હીથી ઑસ્ટ્રેલિયા જવાના રવાના થઈ હતી. સવારે રવાના થયેલાઓમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, નીતીશ કુમાર રેડ્ડી, પેસર અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કિષ્ણા સહિત અમુક સપોર્ટ-સ્ટાફ મેમ્બરોનો સમાવેશ હતો. જ્યારે હેડ કોચ ગૌતમ ગંભીર સહિત અન્ય ખેલાડીઓ સાંજે રવાના થયા હતા. હાલ વન-ડે સિરીઝ માટે સામેલ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા રવાના થયા છે. ફક્ત T20 સિરીઝ માટે પસંદ થયેલા ખેલાડીઓ એક અઠવાડિયા બાદ ઑસ્ટ્રેલિયા જશે.

ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનો નવો વન-ડે કૅપ્ટન શુભમન ગિલ જૂના કૅપ્ટન રોહિત શર્માને ખૂબ જ પ્રેમથી ગળે મળ્યો હતો

આ ટૂરમાં ભારત રવિવારથી શરૂ થતી ત્રણ વન-ડેની સિરીઝ બાદ ૨૯ ઑક્ટોબરથી પાંચ T20 મૅચની સિરીઝ રમશે.

વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર, યશસ્વી જાયસવાલ, અર્શદીપ સિંહ

માર્ચ બાદ પહેલી વાર રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં ઊતરવાના હોવાથી તેમ જ તેમની રિટાયરમેન્ટની ચર્ચાને લીધે આ સિરીઝ માટે ચાહકોની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે. 

ટીમ ઇન્ડિયાનું થકવી નાખનારું વ્યસ્ત શેડ્યુલ

આ વર્ષે ભારતીય ટીમનું શેડ્યુલ એટલું વ્યસ્ત છે કે ખેલાડીઓને બે સિરીઝ અને અલગ-અલગ ફૉર્મેટ માટે મેન્ટલી તૈયાર થવાનો પૂરતો સમય જ નથી મળી રહ્યો. મંગળવારે દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ પૂરી થયાના ૨૪ કલાકમાં તેમણે ઑસ્ટ્રેલિયામાં લિમિટેડ ઓવરની સિરીઝ રમવા રવાના થવું પડ્યું હતું. રવિવારે પર્થમાં તેઓ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે રમશે અને ત્યાર બાદ પાંચ T20 મૅચ રમશે. ૮ નવેમ્બરે છેલ્લી T20 મૅચ રમ્યા બાદ તરત ભારત પાછા ફરીને ૧૪ નવેમ્બરે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે કલકત્તામાં ટેસ્ટ સિરીઝ રમશે.

વિરાટ-રોહિતના રિટાયરમેન્ટની વાત સાવ જ ખોટી : રાજીવ શુક્લા

ઑસ્ટ્રેલિયન સિરીઝ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રિટાયરમેન્ટ જાહેર કરી દેશે એવી ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. રાજીવ શુક્લાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરાટ અને રોહિતનો સમાવેશ ટીમ માટે ફાયદાકારક છે, કેમ કે બન્ને મહાન બૅટ્સમેન છે અને તેમની ઉપસ્થિતિમાં અમે ઑસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થઈશું. બન્નેની આ છેલ્લી સિરીઝ હોવાની વાત છે તો એવું કંઈ જ નથી. અમે આવી બાબતોમાં દખલ નથી દેતા. દરેક ખેલાડીએ પોતે જાતે જ નિર્ણય લેવાનો હોય છે કે તેમણે ક્યારે સંન્યાસ લેવો છે. આ સિરીઝ બન્નેની છેલ્લી સિરીઝ છે એવું કહેવું એકદમ ખોટું છે.’

indian cricket team team india india australia virat kohli rohit sharma shubman gill shreyas iyer yashasvi jaiswal arshdeep singh nitish kumar reddy prasidh krishna board of control for cricket in india cricket news sports sports news