01 July, 2025 10:29 AM IST | London | Gujarati Mid-day Correspondent
બર્મિંગહૅમના એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેન સ્ટોક્સ ઍન્ડ કંપની વૉર્મ-અપ કરતી જોવા મળી હતી.
બર્મિંગહૅમના એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીજીથી છઠ્ઠી જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી મૅચ રમાશે. યજમાન ટીમે બીજી ટેસ્ટ-મૅચ માટે ગઈ કાલે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે ઇન્જરીમાંથી વાપસી કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી હજી લંબાઈ છે. તે ૨૦૨૧ બાદ પહેલી વાર ટેસ્ટ-ટીમમાં સામેલ થયો હતો.
મોઇન અલી અંગ્રેજ ટીમમાં સલાહકાર કોચ તરીકે જોડાયો છે.
ભારતીય કૅપ્ટન શુભમન ગિલે હેડ કોચ ગૌતમ ગંભીર અને બૅટિંગ કોચ સિતાંશુ કોટક સાથે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન વાતચીત
કરી હતી.
સુકાની શુભમન ગિલની ડિફેન્સિવ કૅપ્ટન્સીની ટીકા કરી સંજય માંજરેકરે
ભારતીય ટેસ્ટ-કૅપ્ટન તરીકે પહેલી મૅચ હારનાર શુભમન ગિલ વિશે કૉમેન્ટેટર સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું છે. આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કહે છે, ‘વાદળછાયા વાતાવરણને કારણે હું જાણું છું કે બૉલ વધુ કામ કરી રહ્યો નહોતો, પરંતુ ભારતે ઇંગ્લૅન્ડના આક્રમક અભિગમની પહેલાં જ ધારણા બાંધી લીધી અને ખૂબ જ ડિફેન્સિવ રીતે ફીલ્ડિંગ કરી હતી.’
ભારતનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ પ્રૅક્ટિસ કરતો હતો.
સંજય માંજરેકર આગળ કહે છે, ‘મને શુભમન ગિલની સરખામણી ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી સાથે કરવાનું પસંદ નથી, કારણ કે એ યુવા પ્લેયર સાથે અન્યાય થશે, પરંતુ તમે એવી પરિસ્થિતિમાં વિરાટ કોહલીની કલ્પના કરી શકો છો. ભલે તે વિકેટ લે કે ન લે, કોહલીએ વિરોધી ટીમને બતાવી દીધું હોત કે તે તેમને આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગિલ એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, એ પ્રકારનો કૅપ્ટન નથી, પરંતુ કદાચ એટલા ડિફેન્સિવ ન બનો અને પહેલાંથી ધારણા ન બનાવો.’