દ્રવિડ અને કોહલી માટે આકરા નિર્ણય લેવાનો સમય : લક્ષ્મણ

03 December, 2021 03:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ બૅટ્સમૅનના મતે ટેસ્ટ ટીમમાં બૅટિંગ-ઑર્ડરને લઈને કૅપ્ટને નવેસરથી વિચારવું પડશે

વીવીએસ લક્ષ્મણ

ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષ્મણના મતે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલાં કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન વિરાટ કોહલીએ બૅટિંગ-ઑર્ડરને લઈને કેટલાક કઠોર નિર્ણય લેવા પડશે. વળી આવા કઠોર નિર્ણય લેતી વખતે પોતાની પહેલી કાનપુર મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ ઐયરના પ્રદર્શનની પણ અવગણના નહીં કરી શકે. કાનપુરમાં પોતાની પહેલી મૅચ રમતાં ઐયરે દબાણમાં ૧૦૫ અને ૬૫ રન ફટકારીને ડ્રૉ રહેલી એ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. પોતાની પહેલી મૅચમાં સદી અને હાફ સેન્ચુરી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. ઐયરના આવા પ્રદર્શને કોહલી માટે નવી સમસ્યા પેદા કરી હતી કે બીજી ટેસ્ટમાં કોને ડ્રૉપ કરવો. 
સ્ટાર સ્પોર્ટ્સના એક શોને આપેલા ઇન્ટરવ્યુમાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘પોતાની પહેલી ટેસ્ટ સિરીઝની બન્ને ઇનિંગ્સમાં શ્રેયસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી આ પ્રદર્શન કર્યું ત્યારે ટીમ દબાણમાં હતી. બીજી તરફ મયંક અગરવાલ બન્ને ઇનિંગ્સ વખતે ક્રીઝ પર દબાણમાં હતો. ચેતેશ્વર પુજારા ઓપનિંગ કરી શકે છે. અગાઉ પણ તેણે આ જવાબદારી સંભાળી છે. ત્રીજા ક્રમાંકે રહાણે અને કોહલી ચોથા ક્રમાંકે બૅટિંગમાં આવી શકે. શ્રેયસ ઐયર પાંચમા ક્રમાંકે આવી શકે, કારણ કે આવા પ્રદર્શનની તમે અવગણના ન કરી શકો. આમ રાહુલ દ્રવિડે અને વિરાટ કોહલીએ કઠોર નિર્ણય લેવો પડશે.’

sports sports news cricket news india virat kohli rahul dravid vvs laxman