14 September, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ કરી રહેલો શુભમન ગિલ.
T20 એશિયા કપ 2025ની બહુચર્ચિત મૅચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરનાર આ બન્નેનો ટાર્ગેટ ગ્રુપ-Aની નંબર વન ટીમ બનવાનો રહેશે. ભારતે એશિયા કપની પહેલી મૅચમાં UAEને નવ વિકેટે અને પાકિસ્તાને ઓમાન ટીમને ૯૩ રને હરાવ્યું હતું. પૉઇન્ટ-ટેબલમાં ભારત-પાકિસ્તાનના બે-બે પૉઇન્ટ છે, પરંતુ ભારત (+૧૦.૪૮૩) સારી નેટ રનરેટને કારણે પાકિસ્તાન (+૪.૬૫૦)થી આગળ છે.
બન્ને ટીમે પોતાની પહેલી એશિયા કપ મૅચ દુબઈમાં જ રમી હતી અને આજે જ્યારે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમનો જંગ જામશે ત્યારે સૌની નજર દર્શકોની સીટ પર રહેશે; કારણ કે પહલગામ આતંકી હુમલા, બન્ને દેશ વચ્ચેના યુદ્ધ અને વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન જેવા સ્ટાર પ્લેયર્સની ગેરહાજરી જેવાં કારણોને કારણે સ્ટેડિયમની ટિકિટ-ખરીદીમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નથી.
પહેલી મૅચમાં ભારતે કામચલાઉ યજમાન ટીમ સામે ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું, પરંતુ મૅચ દરમ્યાન માત્ર ટૉપ ઑર્ડરના ત્રણ બૅટર્સને બૅટિંગ કરવાની તક મળી હોવાથી આજે પાકિસ્તાની બોલિંગ યુનિટ સામે તેમની ખરી કસોટી થશે. પાકિસ્તાની બોલિંગ યુનિટે ઓમાનને ૧૬૧ રનના ટાર્ગેટ સામે ૧૬.૪ ઓવરમાં ૬૭ રને જ ઑલરાઉટ કર્યું હતું. નવોદિત ઓમાન ટીમના બોલર્સ સામે પાકિસ્તાનના ટૉપ બૅટર્સ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા જેથી ભારતીય બોલિંગ યુનિટના તોફાન સામે તેઓ ટકી શકશે કે નહીં એ જોવા જેવું રહેશે.
બન્ને ટીમનો સામસામે રેકૉર્ડ કેવો રહ્યો છે?
બન્ને ટીમ વચ્ચે ૧૩ T20 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે T20 વર્લ્ડ કપ 2007ની ફાઇનલ મૅચ સહિત ૧૦ જીત અને પાકિસ્તાને માત્ર ત્રણ જીત નોંધાવી છે. બન્ને વચ્ચે છેલ્લી T20 ન્યુ યૉર્કમાં T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજ દરમ્યાન રમાઈ હતી જેમાં ભારતે ૬ રને રોમાંચક જીત નોંધાવી હતી.
T20 એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૩ મૅચમાંથી ભારતે બે અને પાકિસ્તાને એક મૅચ જીતી છે.
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી ત્રણ T20 મૅચમાંથી ભારતે માત્ર એક મૅચ જીતી છે, જ્યારે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ ૨૦૨૧ની ૧૦ વિકેટના વિજય સાથે બે જીત નોંધાવી છે.
વર્લ્ડ કપ (વર્ષ ૨૦૨૧) અને એશિયા કપ (વર્ષ ૨૦૨૨) સિવાય પાકિસ્તાન આ ફૉર્મેટમાં ભારતને દ્વિપક્ષીય સિરીઝ દરમ્યાન જ હરાવી શક્યું હતું. ડિસેમ્બરે ૨૦૧૨માં બૅન્ગલોરમાં પાકિસ્તાન પાંચ વિકેટે જીત્યું હતું, પરંતુ એ બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. એ આ ફૉર્મેટની બન્ને ટીમની પહેલી અને છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ હતી.