21 July, 2025 07:03 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા ચૅમ્પિયન્સ
ઇંગ્લૅન્ડમાં ૧૮ જુલાઈથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની બીજી સીઝન શરૂ થઈ હતી. આ સીઝનની ચોથી મૅચ ઇન્ડિયા ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચે બર્મિંગહૅમમાં રમાવાની છે. અંગ્રેજોની ધરતી પર આયોજિત ભારત-પાકિસ્તાનની આ બહુચર્ચિત મૅચ રમાવા વિશે શંકા છે. ભારતીય સમય અનુસાર રાતે ૯ વાગ્યે શરૂ થનારી આ મૅચમાં વરસાદની સંભાવના વચ્ચે આ મૅચ પર પૉલિટિકલ પ્રેશર પણ બની શકે છે.
પહલગામના આતંકવાદી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે થયેલા સંઘર્ષને કારણે આ મૅચનો વિરોધ થઈ રહ્યો છે. મળતા અહેવાલો અનુસાર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ હરભજન સિંહ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે આ મૅચમાંથી પોતાનું નામ ખેંચી લીધું છે. મોહમ્મદ હાફિઝના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમે ઇંગ્લૅન્ડને પાંચ રને હરાવીને વિજયી શરૂઆત કરી છે.